" મારી પ્રાણ , મારી વહાલી, "
મેં લાંબો નિઃશ્વાસ નાખ્યો :
" આજે હું જ બોલીશ ને તું સાંભળશે, બરાબર? "
ને મેં બોલવાનું ચાલુ કર્યું:
" તો સાંભળ પ્રિયે,તારી જોડે બે વર્ષ ખૂબ જ સુંદર રીતે નીકળ્યા. મારી સગી પત્ની હતી તો પણ મેં તારી જોડે સંબંધ બનાવીને રાખ્યા હતા. પત્ની પણ ખુશ હતી કે આટલી ઉંમરે પણ તમારી પાસે કોઈ ગર્લ ફ્રેન્ડ છે. બલ્કે પત્નીની ઈચ્છાએ જ તું મારી પોતાની થઈ ગઈ હતી. મિત્રોની પાર્ટીઓમાં આપણે ત્રણેય જતા. તારી ને મારી જોડી બહુ વખણાતી. ને આપણી જોડીના વખાણ સાંભળી પત્ની પણ બહુ ખુશ થતી. "
ગળે ડુમો ભરાયો ( ડુમો ગળામાં જ ભરાય, કોઈને પગે ભરાતા જોયો છે? )
" આપણી પ્રિત જનમોજનમ મેં ધારી હતી , પણ અતિ પરિચય તિરસ્કારનું પ્રથમ પગથિયું છે. એટ્લે હું તને તિરસ્કારું એ પહેલા ખૂબ સારી રીતે છુટા પડી જઈએ તો સારું. એવું વિચારી હું તને હવે આઝાદ કરી રહ્યો છું. તને દૂર કરતા હૃદયમાં ઉઝરડા પડી રહ્યા છે. દિલ રડી ઉઠ્યું છે. ( ભટ્ટજી! કંઈ ખબર ન પડી, એક સાથે બે વસ્તુ કેવી રીતે થાય?) શરીર ધ્રુજી ઉઠ્યું છે. તને વિશ્વાસ ન આવતો હોય તો x ray કે MRI કરાવીને તને બતાવી દઉં."
અને અત્યંત વ્યથિત થઈને:
" ચાલ ત્યારે સાયોનારા, મનમાં ધાર્યું હશે તો પાછા મળીશું!!"
આમ કહી મેં એને મારા હાથેથી પંપાળી અને ભારે હૈયે ફ્રેંચ કટ દાઢી સફાચટ કરી નાંખી.
.
.
.
જતીન ભટ્ટ ' નિજ '