ઘવાયેલા હૃદયની કોઈ સારવાર કરો.
ઢોળાય છે રક્ત એટલો તો વિચાર કરો.
નથી તલવાર કે બંદૂકના થયા પ્રહારો,
મલમપટ્ટી કરીને એનો ઉપચાર કરો.
નહીં જીરવી શકે એ આઘાત ઉરતણો,
ઓળખી સમયને યોગ્ય પ્રતિચાર કરો.
નાનું તોય છાનું રહે એમાંનું એ નથી જ,
મખમલી સારવારે જોડી દિલતાર કરો.
વેદનાના વમળમાં કેટલું રહ્યું અટવાઈ,
ઝંખે છે સ્નેહ, લાગણીના શણગાર કરો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.