દુનિયા સાથે કદમતાલ ના મિલાવ્યા તો ગયાં જ સમજોને
તાલમેલની નીતિથી અલિપ્ત રહ્યા તો ગયાં જ સમજોને.
સત્યને સહજતાથી આજે કોઈ સ્વીકારવા તૈયાર જ નથી
સત્યના ઝંડાને જાહેરમાં ઊંચક્યા તો ગયાં જ સમજોને.
પ્રમાણિકતા જેટલી લખાણે સારી એટલી સમાજમાં નથી,
અન્યાયની સામે અવાજો ઊઠાવ્યા તો ગયાં જ સમજોને.
કાબેલિયત મુજબ સ્થાન માન મળે જ એ જરુરી ન લાગે,
જ્યાંત્યાં હૈયાનાં કંપનોને ઠાલવ્યાં તો ગયાં જ સમજોને.
તમે સારું વર્તો એટલે સામેના અનુસરે એ ખોટું પણ પડે,
ખટપટની ચુંગાલમાં સહેજે ફસાયાં તો ગયાં જ સમજોને
પિત્તળ સોના સાથે કરે છે સ્પર્ધાને કંચન કથીર ભાસતુંને,
ભૂલેથી જો લાગણીપ્રવાહમાં વહ્યાં તો ગયા જ સમજોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.