શું એ સાચે જ તારો વિજય હતો..?
ખીલી રહેલી એક કળીને
તેં પીંખી નાખી,
તારી હવસને મટાડવા કાજે..
તારી તરસ બુઝાવવાનું કોઈ
સાધન માત્ર ન્હોતી એ,
કોઈ બાપની જીવવાની આશ હતી,
એક ભાઈના હાથે બંધાયેલી રાખડી હતી..
કોઈની સખી તો કોઈ માતાની કૂંખેથી
ફૂટેલી કૂણી કૂંપળ હતી..
જેની ઈજ્જત તારે કરવી જોઈતી હતી,
એને મોકો સમજી તેં લૂંટી લીધી..
તારા મનની ખુશી કાજે તેં કોઈના
સુંદર સપનાઓની થેલી કબરમાં દાટી દીધી..
શું એ સાચે જ તારો વિજય હતો..?
પોતાના કાળજાનો કટકો આંખો સામે,
કટકા થઈ વિખેરાઈ ગયો..
એ બાપ તો જાણે ભાંગીને ભુક્કો થયો,
અરે..! દિકરી માત્ર નહિ, એ પણ લૂંટાઈ ગયો..
આ શું થઈ ગયું..
શું ન્યાય મળશે મારી લાડકી ને..?
આ તો ન થવાનું થઈ ગયું..
આંધળા કાનૂનને પોતાની અસહ્ય એવી
અંધરુની પીડા બતાવી રહ્યો,
મનમાં તો એ ક્ષણે ક્ષણે અતિ પ્રબળ
ત્સુનામી થઈ વહ્યો..
કાનૂન તો આંધળું રહ્યું,
તાકાતના જોરે આઝાદ ફરતો હેવાન..
નિર્દોષ થઈ છૂટ્યો એક ગુનેગાર,
ફરી કરવા અપરાધ એ શોધતો કોઈ મહેમાન..
શું એ સાચે જ તારો વિજય હતો..?
તને એના ઉપર શું એક પળ માટે પણ,
દયા આવી નહિ, કેમ ચડ્યો રોષ..?
માસૂમિયત જોઈ એ માસૂમની
કેમ થયો નહી તને અફસોસ..?
શું એ સાચે જ તારો વિજય હતો..?
આ આંધળા થયેલા સમાજથી
ભલે તું નિષ્પાપ થઈ છૂટ્યો,
કુદરત જોઈ રહ્યો છે તારા અપરાધને,
ત્યાં દેર છે નહિ અંધેર એ તું કેમ ભૂલ્યો..?
શું એ સાચે જ તારો વિજય હતો..?
એક સ્ત્રીના મનમાં ઉદ્દભવેલો સવાલ...!
Dr Dipak Kamejaliya..
'શિલ્પી'