હરિ સાંભળે જરુર.
કરો તમે પ્રેમથી પોકાર, હરિ સાંભળે જરુર.
ભરો તમે નૈને અશ્રુધાર, હરિ સાંભળે જરુર.
છે ભાવનાનો ભૂખ્યો ભક્તવત્સલ અવતાર,
હળવો કરોને હૈયાભાર , હરિ સાંભળે જરુર.
નથી ગણિત ગણનારો નથી હિસાબ કરનારો,
પ્રેમસાધ્ય હોય કિરતાર ,હરિ સાંભળે જરુર.
એને ભક્તો છે વહાલા અહર્નિશ કરે કાલાવાલા,
નિજજનનો એને આધાર, હરિ સાંભળે જરુર.
દેખે જો અંતર તાલાવેલી, દેતો કામ હજાર મેલી,
એને ભજતાંને જીવન સાર, હરિ સાંભળે જરુર.
દોડતો આવતો દીનાનાથ,હોય ધનુષ એના હાથ,
ટાળતો આપદાઓ હજાર, હરિ સાંભળે જરુર.
- ચૈતન્ય જોષી ' દીપક' પોરબંદર.