જન્મથી જનાજા સુધી આપે સથવારો સંગીત.
ઘોડિયાંથી ઘડપણ સુધી આપે સથવારો સંગીત.
હાલરડાંથી શરૂ થઈ મરશિયા પર જઈ અટકતું,
બોજથી બસ મોજ સુધી આપે સથવારો સંગીત.
રાગરાગિણીને સૂરતાલમાં વાતાવરણ અદભુત,
મઝધારથી કિનારા સુધી આપે સથવારો સંગીત.
સપ્તસૂરોમાં શાનભાન ભૂલી સૌ ગરકાવ થનારા,
હારથી માંડી જીત સુધી આપે સથવારો સંગીત.
નથી એ કેવળ શબ્દો તણી જમાવટ પ્રયત્નથી,
હોઠથી ગણી હૈયાં સુધી આપે સથવારો સંગીત.
કેટલાય રોગ જડમૂળથી જતા મ્યુઝીક થેરાપીથી,
બિમારથી બળવાન સુધી આપે સથવારો સંગીત.
પ્રગટાવ્યા દીપક તાનસેને રાગ દીપક ગાઈગાઈને,
પડકારથી પરિણામ સુધી આપે સથવારો સંગીત.
ઉષ્ણજળને ઠારવા મલ્હારથી વરસતાં વાદળોને,
નરસિંહથી નામના સુધી આપે સથવારો સંગીત.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.