અમૃતની શું આશા કરવી, ઝેરનેય અમૃત કરી દેશું.
નથી થવું ઈશ્વર અમારે, માનવ બનીને જીવી જશું.
પૈસા કમાવવાની પળોજણમાં સમય નૈ ગુમાવીએ,
મળેલાને મબલખ માની, મીઠપ એની માણી લેશું.
અમર નથી થવું સદેહે, ખોટી ન મુરાદ રાખનારાને,
સત્કર્મોની સુવાસ ફેલાવીને અમરત્વ એને કહેશું.
આભાર માનીશું ઈશ્વરનો જેણે માનવદેહ દીધો છે,
યાચના કરી દુન્વયી, ના પુણ્યબળ વેડફી નાખીશું.
આશા નથી કે વૈંકુઠવાસીના દીદાર હોય સન્મુખ,
માનવતા એ જ પૂજા, માનવતામાં પરખી જઈશું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.