પરિત્યાગી કૃત્રિમતા યુગની કુદરતના ખોળે જીવવું છે.
અસલિયતની મઝા પણ કેવી! નિસર્ગ મારે માણવું છે.
કરે વિહંગવૃંદ કલરવ કર્ણપ્રિય ઝૂલીને દ્રુમની ડાળીએ,
કરી દોસ્તી એનીને મારે એની સાથે સંગીતને ગાવું છે.
શોભે દિશા પ્રાચી રવિઉદયે નભને રંગવૈધિધ્ય અર્પતી,
પ્રકાશપુંજના પંથી બની જઈ વ્યોમસૌંદર્ય નિરખવું છે.
ખળખળ કરતાં વહેતાં ઝરણાં શોભા બને શૈલરાજની,
મધુરરવ મનમોહક સુણી પ્રકૃતિનાસંગે બસ નાચવું છે.
શીતળ,મંદ, સુગંધી અનિલ ગ્રીષ્મતાપ હરી લે સહજ,
તરુવર પલ્લવ સંગાથે સંઘાતે મારે દે- તાલી રમવું છે.
મીઠાંનીર સરિતાનાં પીને ,કરી નૌકાવિહાર સામીપ્યમાં,
બતક, બગલાના શ્વેતરંગે ભળી ધ્યાન હરિનું ધરવું છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.