ભણવું ફકત પુસ્તક પઠન નથી
ક્લાસના સૌથી નબળા વિદ્યાર્થીને સરવાળો, બાદબાકી ભાગાકાર અને ગુણાકાર આવડે છે, કેમ?
ક્લાસના લગભગ ૯૦-૯૫% વિદ્યાર્થીઓ મોટાભાગના વિષયોમાં પાસ થઈ જાય છે કેમ?
તમે એક વિદ્યાર્થીને ક્લાસ બહાર કોઈ સિલેબસ માંથી પ્રશ્ન પૂછો, જવાબ લગભગ નિયર પરફેક્ટ હશે. પણ ક્લાસ કે પરીક્ષામાં એ ભૂલ કરે છે, કેમ?
આપણું મગજ સાંભળેલ, જોયેલ, સુંઘેલ કે વાંચેલ વસ્તુઓ પોતાની જાતને સમજાવવા જાતે જ ઘણી વખત પુનરાવર્તન કરે છે, અને જો એ પુનરાવર્તન બાહ્ય સેન્સ થી એટલે જોવા સાંભળવાથી પણ આવે તો વધુ મજબૂત બને અને કાયમી મેમરી કે યાદશક્તિ બની જાય.
હું રાજસ્થાન પુષ્કરરાજ તીર્થ ઘણી વખત ગયો છું, કારણ કે મારા પપ્પાના વતન અજમેર શહેરની સૌથી નજીકનું તીર્થ આ છે, ત્યાં મેં નાના બાળકો જેમનું પેઢીઓ થી કામ છે ગાઈડ કરવું, તે બાળકોને અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ અને રશિયન ભાષા બોલતા જોયા સાંભળ્યા છે. આ ભાષાઓ એમની શાળાઓમાં તો ભણાવવામાં નથી આવતી. પણ લાખોની સંખ્યામાં આવતા ટુરિસ્ટને સાંભળી આ બાળકો શીખી જાય છે.
પ્લંબિંગ, કાર્પેન્ટર કે ઇલેક્ટ્રિક વાળા પોતાના છોકરાઓને કામ કેવી રીતે શીખવાડે છે?
હવે પાછું ક્લાસના નબળા વિદ્યાર્થી પાસે આવીએ, એ વિદ્યાર્થી પણ સાંભળે છે, જુઓ છે બસ ઘરે જઈને પુસ્તક પકડતો નથી. એટલે ૫૦-૬૦% ભણવાનું ક્લાસમાં થઈ ગયું, એ પ્રશ્ન પૂછતો નથી કારણ કે એને બીજા બાળકો સામે બેઇજ્જતી ન થાય એટલે ન સમજેલું રહી જાય.તેમ છતાં એને કંઈક સમજાયું જે પરીક્ષામાં લખશે અને પાસ થઈ જશે.
આ બાબત સુધારવા બે બાજુએ આ મોરચો સંભાળવા જેવો છે
વાલીઓએ બાળકોને પુસ્તક પકડો પુસ્તક પકડો ની જીદ કરતા છોકરાઓને ક્લાસમાં બસ ધ્યાન પૂર્વક ભણો એ બાબતે સજાગ કરીએ, છોકરાઓને ક્લાસમાં પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરીએ. પ્રશ્ન પૂછવા પ્રેરણા આપવા વિવિધ વાર્તાઓ અને કિસ્સાઓ કહીએ કે જેથી બાળક પ્રશ્ન પૂછવું એ પોતાનો હક અધિકાર સમજે.
બીજો મોરચો શિક્ષણ વિભાગે સંભાળવો પડે, સિલેબસ ઘટાડીને એક જ સિલેબસ પુનરાવર્તન કરીને ભણાવવું જોઈએ કે જેથી જે ભણાવ્યું એ છોકરાઓને યાદ રહે. બાબર, ઇબ્રાહિમ લોદી કે અકબરની વંશાવલી ગોખવાથી પણ યાદ નથી રહેતી પણ ભારત ખેતીપ્રધાન દેશ છે એ યાદ રહે છે. ઘઉં હરિયાણા અને પંજાબથી આવે છે બધાને યાદ છે અને ગુજરાતમાં કપાસ અને મગફળીની ખેતી થાય છે એ યાદ રહી જાય છે કારણ કે આજુ બાજુના પરિબળો સમાચાર લગાતાર યાદ અપાવે છે.
ટ્યુશન ક્લાસ પણ વિદ્યાર્થીને દર અઠવાડિયે પરીક્ષા લઈને પુનરાવર્તન જ કરાવે છે. સાથે જ ત્યાં ઓછા વિદ્યાર્થીઓ કે અ પરિચિત વિદ્યાર્થીઓ સાથે હોય પ્રશ્ન પૂછવામાં છોકરાઓ ઘબરાતા નથી. પણ એ માહોલ ક્લાસમાં ઊભું થાય તો મોટાભાગના પરિણામ સારા આવે.
- મહેન્દ્ર શર્મા ૩૦.૧૦.૨૦૨૨