નિર્દોષતાની સાબિતી માત્ર ઈશ્વરના જ ન્યાયાલયમાં આપવી
આ માનવ નિર્મિત ન્યાયાલય કોઈની નિર્દોષતા સાબિત કરવા સક્ષમ નથી..
બની શકે અહીં વકીલ પણ વેચાય ગયેલા હોય
બની શકે અહીં જજ પણ વેચાય ગયેલા હોય !!
ઈશ્વરના વકીલ છે આ પ્રકૃતિ તત્વો, તમારા નિર્મળ મનની વાત એને કહો.. એ સાંભળશે..સમજશે.. અને વર્ષો સુધી યાદ પણ રાખશે..
ઈશ્વરના જજ છે નિત પ્રગટ થતા સૂર્ય નારાયણ.. આ જજને કોઈ આધાર પુરાવાની જરૂર નથી.. એ નિસદિન બધાને નિહાળે છે.. એ તો કેટલાય જન્મોથી સૌ ને ઓળખે છે.. બસ આપણે અજાણ છીએ..
જ્યારે જીવન અસહનીય લાગે..ત્યારે કેસ સોંપી દો એમને..
જે થઈ રહ્યું છે બસ સાક્ષી ભાવે નિહાળતા રહો..
શું થશે..વધીને.. દુઃખનો કહેર વરસી પડશે.. વરસવા દો..
શું થશે એથી વધીને.. અપમાનના ઘૂંટ પીવા પડશે.. પીતા રહો..
બીજું શું થશે..પરીક્ષાઓ અપાર થશે.. આપતાં રહો..
એથીય વધીને શું થઈ શકે.. ચારિત્ર્ય પર લાંછન ?ઉપરનું સહી લેશો તો આ પણ કંઈ અઘરું નથી પચાવવા..
એક દિવસ એવો આવશે પ્રકૃતિ દુઃખમાં ભાગીદાર બનશે.. આ ગગન પણ રડી પડશે.. આ ધરા દુઃખનો બોજ ઉઠાવશે..
બસ સોંપાયેલું કર્મ ના છોડવું..તો..
માઁ સતિ ને જેમ અગ્નિએ સમાવ્યા..
માઁ સીતાને જેમ ધરાએ સમાવ્યા..
માઁ દ્રૌપદીના જેમ ચીર પુરાયા..
માઁ મીરા જેમ મૂર્તિમાં સમાયા..
...એમ જ ઈશ્વર આવશે અને આમ જ ક્યાંય સમાવી લેશે.. અને બધી જ નિર્દોષતા એનામાં સમાહિત થઈ જશે.. અને અનંત શાંતિની પ્રાપ્તિ થશે..!!