મારી આ કૃતિને કલમના કસબી ગૃપ માં એડમીન ચોઈઝ સરપ્રાઈઝ પ્રાઇઝ, પ્રાઇઝ મળ્યું છે. આભાર એડમીન પેનલ.
શીર્ષક:- નાટક.
આજ સુધી જિંદગીમાં તો ઘણાં નાટક ભજવ્યા, આજે હું, મેં સ્ટેજ પર ભજવેલાં નાટકની વાત કરું,
" વાત છે ૧૯૭૦ની સાલની.મારી શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાનાં રજતજયંતી મહોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી.બંદા તો રાજી નાં રેડ,કહી દીધું," હું એક નાટક આપીશ." સંચાલકે જ્યારે જાણ્યું કે સમગ્ર નાટક મહિલા પાત્રોનું જ છે ત્યારે નાટક ભજવવાની રજા મળી!
હું કોલેજનાં બીજા વર્ષમાં ભણું.નાટકનો કોઈ જ અનુભવ નહીં, પહોંચી ગ્રંથાલયમાં.વાંચનનાં શોખને કારણે અવારનવાર ગ્રંથાલયની મુલાકાત ને કારણે ગ્રંથપાલ સારી રીતે ઓળખે. ગ્રંથપાલને વાત કરતાં જ એમણે શ્રી દામુસાંગાણી લિખીત નાટકનું પુસ્તક 'નટશૂન્ય પ્રહસનો' આપ્યું.
મેં નાટક પસંદ કર્યું,' કાકી આવ્યાં' ગ્રંથાલયમાં જ કાગળ પર લખ્યું.હવે શોધ ચલાવી પાત્રોની,કાકીનું પાત્ર તો હું જ ભજવું,એ સિવાય બીજી ચાર છોકરીઓને તૈયાર કરી.ઓગણીસ વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત નાટકનું દિગ્દર્શન કર્યું.
બધાં જ પાત્રો પહેલી વાર ભાગ લઈ રહ્યાં હતાં, બાકીનાં ચાર પાત્રો તો મારાથી પણ નાનાં. પરંતુ સખત મહેનત અને બધાંનાં સાથ સહકારથી ખુબ સરસ ભજવાયું.
રજુઆત દરમ્યાન એક એક સંવાદ પર જોરદાર તાળીઓ પડતી રહી.નાટકની સફળતાનો શ્રેય ગ્રંથપાલ અને ગ્રંથાલયને પણ આપ્યો.
મારી ગ્રંથાલયની મુલાકાત લગ્ન પછી પણ ચાલુ રહી.લગ્ન પછી વકીલાતનો અભ્યાસ પણ ગ્રંથાલયના પુસ્તકોથી જ કર્યો.
વર્ષો પછી ઈ.સ.૨૦૧૮માં અમારી અનાવિલ જ્ઞાતિ યોજીત નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવાનું થયું અને મેં યાદ કર્યું,નટ શૂન્ય,દામુસાંગાણી લિખીત પુસ્તક.મને બિલીમોરા કોલેજનાં ગ્રંથાલયમાંથી આ પુસ્તક પ્રાપ્ત થયું.કોઈક કારણસર એ નાટક ન કરતાં બીજું નાટક,' ચાલો, જંગ જીતવા' ભજવ્યું. જેનું દિર્ગદર્શન મેં કર્યું, અમારાં ગુરુજીની સહાયથી.
બિલીમોરાનાં ગ્રંથાલયમાં લગભગ વીસ વર્ષ સુધી કારોબારી સભ્ય અને દસ વર્ષ મંત્રી તરીકે કામગીરી બજાવી.
આમ મારી જિંદગીમાં ગ્રંથાલયનો મહત્વનો ફાળો રહ્યો."
✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.