શંકા - શ્રદ્ધાનું નગર થંભી ગયું ;
જોખાં - લેખાંનું નગર થંભી ગયું !
ધૂમ - ધખારાનું નગર થંભી ગયું
આ ધુમાડાનું નગર થંભી ગયું!
સ્તબ્ધ છે આસ્ફાલ્ટની કાળી સડક
બૂમ બરાડાનું નગર થંભી ગયું !
અહીંયા આગળ ઊંડો કૂવો જોઈને;
અહીંયા ઘેટાંનું નગર થંભી ગયું !
કાલ સુધી ફાળ દઈ ફેલાયેલું
આજ હરણાંનું નગર થંભી ગયું !
રાતભર જાગ્યાં કર્યું પ્રત્યેક જણ
લાખ સપનાંનું નગર થંભી ગયું !
આંગળી ચિંધી બતાવો તો ખરાં
કેમ નક્શાનું નગર થંભી ગયું ?
હૈયે આવીને ડૂમા અટકી ગયાં
ચીસ, સણકાનું નગર થંભી ગયું !
------ ભરત ભટ્ટ --------
કોરોના મહામારી અંતર્ગત લોકડાઉન સ્થિતિ જોઈને