સમય બડા બળવાન...
કહેવાય છે કે સમય અને સંજોગ માણસને ઘણું શિખવી જાય છે. ખાસ કરીને આપણી સાથે કે આપણાં પ્રિયજનો પર આવી પડેલ આપદા જ આપણાં જીવનને જડમૂળથી બદલી નાંખતા હોય છે. ગમે એવી હઠીલી માન્યતા, દ્રઢ આત્મવિશ્વાસ કે ઉચ્ચ વિચારસરણી આ સમયે બધું જ ધૂળ ચાટતું થઈ જાય છે. આવા સમયે ખડે પગે આપણી સાથે સહકાર આપતાં વ્યક્તિઓ આપણને દેવદૂત સમાન લાગતા હોય છે. માણસની પરખ ત્યારે જ થતી હોય છે.
કે કોણ આપણું છે!? અને આપણાં ખરાબ સમયમાં આપણી સાથે ઊભા ન હોય એથી એ આપણા હિતેચ્છુ નથી એમ માની લેવાની કોઈ જરૂર પણ નથી જ. એમની પ્રાર્થના પણ આપણને આપદા માંથી બહાર કાઢવાનું જ કામ કરતી હોય છે. આવા સમયે જાણ્યા-અજાણ્યા કે ગરીબની એક દુઆ પણ કામ લાગતી હોય છે. મારા મતે જીવનમાં એવા કર્મ કરવા કે જેથી આજ જીવનમાં જરૂર પડે તો માધવ સુત સમેત આપણને પાછાં વાળી શકે, એનું ફળ આપી શકે. પોતાના પરિવાર માટે તો સૌ કોઈ કરે પરંતુ "વસુધૈવ કુટુંબકમ્"ની ભાવના રાખનાર જીવમાત્ર માટે કરૂણા રાખનાર વ્યક્તિ, એને પોતાને જરૂર પડ્યે નવજીવન પામતાં
હોય છે. એ સમયે ભલે ચમત્કાર જેવું લાગે પરંતુ વાસ્તવમાં એનું જીવન જીવવાનું દ્રઢ મનોબળ અને એના કરેલાં કર્મોનું ફળ ભગવાન આપતો હોય છે.
સાપ પણ સામેથી નથી કરડતો. એના ઉપર આપણો પગ પડે અથવા તો સ્વ-બચાવ માટે જ એ ફેણ માંડે છે અને છેલ્લે કોઈ આશા ન દેખાતાં ડંખ મારે છે. જીવમાત્રને આ સૃષ્ટિ ઉપર જીવવાનો અધિકાર છે. અને એની પાસે એ જીવન જીવવાનો અધિકાર ક્યારેય ન છીનવવો. આપણે જેવું કરીએ છીએ એવું જ પામીએ છીએ.
દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે કૃષ્ણ તો ત્યાં હતાં જ નહીં આમ છતાં દ્રૌપદીની એક પ્રાર્થના જ તેમને તત્કાલ ત્યાં હાજર કરવા વિવશ કરી ગઈ. આ દ્વૌપદીના કર્મો જ છે. કૌરવોના કર્મનું ફળ જ મહાભારતનું યુદ્ધ છે.
આપણા જીવનનાં કપરાં સમયમાં ખડે પગે ઊભા રહેતાં દેવદૂતોનો સાથ અને હાથ બંને ક્યારેય ન છોડવા અને આપણાં અનુભવ પરથી એટલું તો શીખી શકીએ કે પ્રાર્થના કદી વ્યર્થ જતી નથી. એટલે સર્વ માટે મંગલ કામના રોજ કરવી.ક્યારેય ન ભૂલવું કે આપણે કરેલી પ્રાર્થના અનાયાસે કોઈને મદદ કરી જતી હોય છે. આપણાં પુણ્યમાં બીજાનો પણ ભાગ રાખવો. જીવનને હંમેશા ઉજવતાં રહેવું. નથી ખબર કે ક્યારે ભગવાન આપણાં મૃત્યુ મહોત્સવની તૈયારી કરી બેઠો હોય!
હમણાં ખૂબ કપરાં સમયમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યાં છીએ. એના જવાબદાર પણ ક્યાંકને ક્યાંક આપણે જ છીએ. માણસે પ્રકૃતિ પાસે બધું છીનવ્યું. એની સાથે ચેડાં કર્યાં, જીવમાત્રની અવગણના કરી. એ જ બધું વ્યાજ સહિત પાછું આ માણસ નામના પ્રાણીને મળી રહ્યું છે. હજી પણ ચેતીને ચાલવું. આ કોરોના મહામારી માનવજાતનો ભરડો લઈ રહી છે. હમણાં તો આપણે જ આપણાં જીવન મરણનો નિશ્ચય કરી શકીએ એમ છીએ.
-કિંજલ દિપેશ પંડ્યા (પારડી)