Happy Daughter’s Day🙏🏻
દીકરીનો તે દિવસ હોય કૈં ?
અજવાળાં એનાં આખું વરસ.
ભાગશાળીને ઘેર જનમતી
જગદંબા શી દેતી દરસ
દીકરી બાપનો પડછાયો ને
દીકરી માનું છે પ્રતિબિંબ
તોય તે છે એ બેઉથી જૂદું
દીકરી , તારી જાતનું બિંબ
એનો આદર કરતાં શીખો
વીતશે જીવન ખૂબ સરસ
દીકરીનો તે દિવસ હોય કૈં ?
એનાં અજવાળાં આખું વરસ
ભાગશાળીને ઘેર જનમતી
જગદંબા શી દેતી દરસ .
આંગણ કેરી કંકુ પગલી
ભીંતનો કંકુથાપો ખરો
શુકન એટલે દીકરી પોતે
નામની એનાં , માળા કરો
માંગ્યા વિનાયે ભીંજવે દીકરી
કહેવું પડે ના આવ, વરસ
દીકરીનો તે દિવસ હોય કૈં ?
એનાં અજવાળાં આખું વરસ
ભાગશાળીને ઘેર જનમતી
જગદંબા શી દેતી દરસ
ધર તો ઠીક છે વ્હાલમાં પ્હેલા
દીકરી કેરો રાખજો ભાગ
એની સુગંધે મ્હેકશે જીવન
દીકરી પોતે ફૂલનો બાગ
બેઉ કાંઠાની પ્યાસ છીપાવે
નદી ભૂલીને પોતાની તરસ
દીકરી કેરો દિવસ હોય કૈં ?
એનાં અજવાળાં આખું વરસ
ભાગશાળીને ઘેર જનમતી
જગદંબા શી દેતી દરસ
- તુષાર શુક્લ