Gujarati Quote in Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જ જવાબદારી
==================================
(૧૧)
આજનાં મા-બાપ પોતાનાં બાળકનાં અભ્યાસ વિશે વિશેષ ચિંતિત હોય છે. શાળાની પસંદગી અને 'માધ્યમ' ની ભરમાર વચ્ચે મુક્ત શૈશવ અને મુક્ત નિખારનાં ભોગે બાળક માતાપિતાની અપેક્ષાતૃપ્તિનું માધ્યમ બની જાય છે. યુનિફોર્મની બાથમાં ગુંગળાતું બાળક ભારેખમ દફતરમાં એટલું બધું વ્યસ્ત બની જાય છે કે તે ક્યારે શૈશવનું ઉંબરુ ઓળંગી જાય છે તેની ખબર જ નથી રહેતી અને ત્યાં સુધીમાં તો તે વાલી, સંસ્થા, શિક્ષક વગેરે માંટે 'રેસનો ઘોડો' બની જાય છે! કોણ જાણે કેમ એમાં જ બાળકનું ભવિષ્ય દેખાતું ન હોય !? જમાના સાથે કદમ સાથે કદમ મેળવવાની વાતને ભૂલી જઈ આપણે તેને બાથ ભીડવવાનું સીખવાડીએ છીએ. આવા સંજોગોમાં તણાવગ્રસ્ત જિંદગીનું નિર્માણ થવાની સંભાવના છે. - વિષયાંતરની ગ્રંથી બંધાય એ પૂર્વે મૂળ વાત પર આવું તો આજનાં વિષય પર જતાં પહેલાં ઉપરોક્ત વિષયાંતર જરૂરી લાગ્યું.

શાસ્ત્રો અનુસાર આપણી કુલ ૬૪ કલાઓ નિમ્નલિખિત છે. બાળકને તેની ક્રિયા પ્રક્રિયાને આધારે કોઈ પણ એકાદ કલા વિશે રસરુચિ કેળવતું થાય અને શીખે તો શું વાંધો હોઈ શકે? શક્ય છે કે તેની એ આવડત(કલા) તણાવગ્રસ્ત સંજોગોમાં સહાયરૂપ બની શકે. કદાચ એવું બને કે આટલું વાંચતા કોઈ એકદમ મારી વાત સાથે સહમત ન પણ થાય, પરંતુ આ વાત જરુર માનશો કે માણસ પોતાનાં મનનાં ભાવોને કે હ્રદયની ઊર્મિઓને ઠાલવવા કોઈક ને કોઈક માધ્યમ શોધતો હોય છે: અને કલા એનું શ્રેષ્ઠ માધ્યમ છે. બાળક ચાહે કોઈ પણ શાખામાં અભ્યાસ કરે પણ સાથે જો તે ચિત્ર, સંગીત, લેખન કે એ સિવાયની કોઈ પણ એકાદ કળા આત્મસાત કરશે તો સોનામાં સુગંધ જેવું થઈ પડશે. આમેય શીખેલું - જાણેલું કંઈ વ્યર્થ જતું નથી. કલાની અમુક ખૂબીઓને કારણે ઘણાએ શ્રેષ્ઠ સ્થાન અને માનપાન મેળવ્યા છે. વળી તે જીવનનો આધાર પણ બને છે. જો કે ઘણા બાળકોને માબાપ તરફથી કલાભાન પ્રત્યે પ્રોત્સાહન મળે છે એવા અપવાદોને વંદન કરું છું.બાળક મોટું થયા પછી તેનાં અભ્યાસ અંતર્ગત કોઈક નાના મોટા પરિવર્તન લાવવા પડે એ બાબતમાં તેને આવડતી ખૂબી કે કલા એ સ્વતંત્ર સ્થાન ધરાવે છે, પરંતુ આવી આવડત તેના બાળપણથી જ કેળવાય તે જરૂરી છે.

એક કહેવતમાં કહ્યું છે તેમ જો સંઘરેલો સાપ પણ કામ લાગતો હોય તો કલા એતો એક સાધના છે; શીખે તેમાં ખોટું શું? આમાં ફાયદો થશે કે નહિં તે ખ્યાલ નથી પરંતુ નુકસાન તો નહીં જ થાય એ ચોક્કસ છે.તો શા માંટે આ બાબતને આપણી જવાબદારીમાંથી બાકાત રાખીએ?? ...શું ક્યો છો!?
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111528230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now