વન પ્રવેશ એટલે શું?
વન એટલે વન-રાજી એટલેકે હરિયાળી,
અને હરીયાળું એટલે શુભ.
(કદાચ તેથી જ શુભ પ્રસંગોએ ૫૧ રૂ.નો ચાંલ્લો કરવાનો રિવાજ હશે.)
વાનપ્રસ્થાશ્રમ એટલે......
- પo વર્ષોની ભેગી થયેલી શુષ્કતાને ત્યજી, હૈયાના હરીયાળા પ્રદેશમાં વિહરવાનો શુભ સમય.
- બીજાઓને ખુશ રાખવાના અને પરિવાર માટે જીવવાના બોજને હળવો કરી, મન - રાજી રહે તેવી નિજાનંદની પ્રવૃત્તિઓ તરફ વળવાનું શુભ ચોઘડિયું.
- ઇચ્છાઓ અને અપેક્ષાઓ / આકાંક્ષાઓની સૂકી ડાળખીઓની હોળી કરી, તેનાં દિવ્યપ્રકાશથી આત્માને ઉજાળવાનું શુભ નક્ષત્ર.
- જવાબદારીઓની જાળમાંથી ધીરે ધીરે છૂટતાં જઈ, પોતાની સાચી આઝાદીનાં સ્વ આકાશમાં મુક્તપંખીની જેમ ઉડાન ભરવાની શુભ તીથી.
- ભૌતિક અને સાંસારિક સુખના આભાસી રણમાંથી બહાર આવી, શાશ્ર્વત સુખના લીલાછમ વૃંદાવનમાં મંગલ પ્રવેશની શુભ ઘડી.
- કૃત્રિમતા થી કુદરતી અને બાહ્ય થી અંદરની તરફની યાત્રા પ્રયાણનો અનેરો અવસર.
- શારીરીક સૌંદર્યને બદલે આંતરિક સૌંદર્યને પોંખવાની અલૌકિક પળ.
ધર કે સંસારને છોડવાનું નથી પરંતુ, સ્નેહભરી લીલી લાગણીઓથી ધરને જ નંદનવનની જેમ મહેકાવવાનું છે.
અડધી સદીની જીવન યાત્રા તો પૂર્ણ થઈ, હવે 'સ્વ' ની ઓળખ કરતાં કરતાં, પરમને પામવા માટે ના પથ તરફ ડાયવર્ઝન લેવાનું છે. ઈચ્છાઓને કે મનને મારવાનું નથી, પણ ઉંમરના પડાવને અનુરૂપ, મનગમતી પ્રવૃત્તિઓ દ્વારા જીવનને હર્યુભર્યુ બનાવવાનું છે, મનને પ્રફુલ્લિત રાખવાનું છે.
આશા છે કે તમે વાનપ્રસ્થાશ્રમની એક એક ક્ષણ ને ખીલવી, તમારા જીવનને બાગ-બાગ કરી શકશો...
- મોક્ષેશ શાહ.