ઉન્નતિ એટલે શું? ખૂબ પૈસા કમાવવા? ખૂબ નામ કમાવવું? કે કંઈક બીજુ? એ દરેક વ્યક્તિની પોતાની પર આધાર રાખે છે કે એ ઉન્નતિ કોને ગણે છે.
કોઈ વ્યક્તિઓ એવા હોય છે જે પોતાને પોતાની બહાર આવવા જ નથી દેતા. ન કોઈ સાથે વાતચીત કરવી. ન હળવું મળવું. આવા વ્યક્તિને એમની સંકુચિતતામાંથી જો બહાર લાવવામાં આવે તો કદાચ એ વ્યક્તિ પોતાની ઉન્નતિ કરી શકે.
કેટલાંક લોકો એવા હોય છે જે પોતાના પૈસા ખર્ચીને પણ ગરીબ લોકોને મદદ કરતા હોય છે. કેટલાક ગરીબ બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવે છે તો કેટલાક એમને રાત્રિ શાળામાં અભ્યાસ કરાવે છે. આવા બાળકોની ઉન્નતિ થાય ત્યારે એઓ પોતાને મદદ કરનાર વ્યક્તિને ક્યારેય ભૂલતા નથી.
દરેક વ્યક્તિમાં કંઈક વિશેષ યોગ્યતા છુપાયેલી હોય છે, એને બહાર લાવીએ તો કદાચ એ વ્યક્તિ અસાધારણ ઉન્નતિ કરી શકે. જ્યારે કોઈની ઉન્નતિ માટે એને મદદ કરીએ ત્યારે એ યાદ રાખવું કે આપણાં લીધે એ શરમમાં ન મૂકાય. માટે ઢંઢેરો ન પીટવો કે મેં મદદ કરી હતી. થોડી મદદ કરીને ખસી જવું. પછી એ એની ઉન્નતિ એની મેળે કરી જ લેશે.
કેટલાક લોકો અચાનક જ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ જાય છે, આ છે શારિરીક ઉન્નતિ. કેટલાક પોતાના મનની શાંતિ મેળવવાના માર્ગ તરફ વળે છે, જે કરશે માનસિક ઉન્નતિ. તો વળી કેટલાક આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે અને આધ્યાત્મિક ઉન્નતિ કરે છે.
ઉન્નતિ શેમાં કરવી એનો આધાર વ્યક્તિ પર છે - આર્થિક, સામાજિક, માનસિક, આધ્યાત્મિક કે શારિરીક, કે પછી આ તમામ ક્ષેત્રે. તમારા વિચારો જ નક્કી કરે છે કે તમે કઈ કઈ બાબતોમાં ઉન્નતિ કરી શકો એમ છો.
#ઉન્નતિ