આજે પણ જ્યારે વાત સાચી મિત્રતાની આવે ત્યારે કૃષ્ણ સુદામાનું નામ લેવાય છે, સાચી ભક્તિની આવે ત્યારે મીરાંને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે અને પ્રીત માટે રાધાને. આ સિવાય પણ બીજા ઘણાં છે જેમને કોઈક કારણોસર યાદ રાખવામાં આવ્યા છે. આમાં ખાસ શું હતું? મિત્રતા તો બધા કરે, પ્રેમ બધા કરે, ભક્તિ પણ બધા જ કરે. પણ આ બધા કે બીજા અન્ય જે બધાનો અહીં ઉલ્લેખ કરવો શકય નથી, એવું તો શું કર્યું કે યાદ રાખવામાં આવ્યા છે? જવાબ છે એમની અનન્ય રીત - પ્રેમની, ભક્તિની, વફાદારીની.
દરેક વ્યક્તિની પાસે દરરોજ ચોવીસ કલાક હોય છે. પણ એનો કેવો ઉપયોગ કરવો છે એ જે તે વ્યક્તિની પોતાની જવાબદારી છે. જો તમે એનો અનન્ય રીતે ઉપયોગ કરશો તો બધા તમને ધ્યાનમાં લેશે નહીં તો અન્ય લોકોની જેમ આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઇ જશો ખબર પણ નહીં પડે.
દરેક મહાન વ્યક્તિઓને કંઈક અલગ દિવસ નથી આપવામાં આવ્યો પણ એમણે દરેક દિવસમાં કંઈક અલગ, કંઈક અનન્ય કરી બતાવ્યું છે. માટે તેઓ આજે અનન્ય છે.
કેટલાંક લોકો પોતાના જીવનમાં આવતી સમસ્યાને પણ તકમાં ફેરવવામાં માહેર હોય છે તો કેટલાંક આ તકને ઓળખી જ નથી શકતા. પોતાની જાતને જ એવી કેળવો કે તમારી એક એવી અનન્ય છબી લોકો સમક્ષ ઊભી થાય કે તમારે તમારી ઓળખ આપવી જ ન પડે. તમારી એવી અનન્ય છટા બનાવો કે સામેની વ્યક્તિ તમારાથી મંત્રમુગ્ધ થઈ જાય અને તમારી વાત પર એને ભરોસો બેસે. જયાં સુધી તમે બધાથી અલગ કંઈક અનન્ય ન કરો ને ત્યાં સુધી કોઈનું ધ્યાન ખેંચી ન શકો.
અનન્ય કાર્ય પદ્ધતિ અપનાવો, અનન્ય બનો, અનન્ય રહો.
#અનન્ય