એકદમ શાંત વાતાવરણમાં રહેવાનું કોને ન ગમે? પણ કાયમ માટેની આવી જ શાંતિ હોય તો અકળામણ થવા લાગે. કોઈ તો વાત કરવા માટે જોઈએ. જ્યારે કોઈ વાતોડિયા પાસે બેસીએ ને ત્યારે કોઈક વાર એવું લાગે કે આ હવે અહીંથી જાય તો સારું. પણ કોઈક વાર ધ્યાનથી અનુભવ કરજો, જ્યારે એકલા બેઠા હો કે કોઈ એવા વ્યક્તિ સાથે બેઠા હો કે જે માત્ર કામ પુરતું જ બોલે છે તો તમે સૌથી વધારે એ વાતોડિયાને જ યાદ કરશો કે આ મુંગા સાથે બેસવા કરતા તો પેલો માણસ સારો. બોલે તો છે.
વાતોડિયા સાથે બેસીને જેટલી સમય પસાર કરવાની વાતો થાય છે ને એટલી જ જ્ઞાનની વાતો પણ થઈ શકે. એક વાતોડિયા વ્યક્તિને દરેક જણ સાથે વાત કરવાની આદત હોય છે, એટલે સ્વાભાવિક છે ઘણાં બધા વિષયો પર એ ચર્ચા કરતો હોય છે.
માટે દરેક નવા મુદ્દા વિશે એમને થોડી ઘણી ખબર હોય છે, જેમનો આપણને લાભ મળે છે.
આજની આ અત્યંત વ્યસ્ત જીંદગીમાં થોડો સમય શાંતિ શોધીએ બરાબર છે, પણ એ કાયમ માટે તો સારી ન જ લાગે. એકદમ શાંત બેસીને કોઈની સાથે વાત ન કરીને પણ કંઈ આપણે કોઈ ઈનામ જીતી નથી જવાના, થોડા જીવંત પણ લાગવા જોઈએ. હા, કોઈ કામ એવું કરી રહ્યા હોઇએ કે જે આપણુ સંપુર્ણ ધ્યાન માગતું હોય તો વાત અલગ છે. બાકી આપણો પ્રભાવ એવો હોવો જોઈએ કે આપણે જયાં જવાના હોઈએ ત્યાં લોકો આપણી રાહ જોતા બેઠા હોય, આપણી પાસેથી કંઈક નવું જાણવાની આશામાં, કે પછી વાતાવરણને જીવંત બનાવવામાં.
આપણી વાતોથી જો કોઈ વ્યક્તિ પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે એમ હોય તો એનાથી શ્રેષ્ઠ કંઈ જ નથી. આવા સમયે વાતોડિયા બનવું જ જોઈએ. બધાની સાથે કોઈ પોતાનુ સુખ દુઃખ વહેંચતા નથી હોતા. એનાં માટે ભરોસાપાત્ર બનવું પડે છે, પોતાની વાતોથી અને સમાધાન કરાવવાની આદતથી. કહેવાય છે ને કે આખા દિવસમાં કંઈ જ ન કરો પણ કોઈકનાં ચહેરા પર હાસ્ય લાવી શકો તો દિવસનું સૌથી ઉત્તમ કામ કર્યું એમ સમજવું.
વાતોડિયા બનો પણ કોઈને મદદ કરવા કે મન હળવું કરવા નહીં કે કોઈની વાત કોઈ બીજાને કરવા અને ગેરસમજ ઊભી કરવા. એટલું યાદ રાખો કે વાતોડિયા વ્યક્તિથી કોઈ ક્યારેય કંટાળી જતું નથી, કંટાળો તો રોદણાં રડતા હોય એનાથી જ આવે. માટે બોલતાં રહો, લોકોને હસાવતા રહો, અને લોકો માટે મુસીબત બનવાથી દૂર રહો.
#વાતોડિયું