ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે
સાંજ પડતા જ બગાસું ખાઈને, આળસ મરડીને સૂઈ જતો આ સરિયામ રસ્તો,
આંખો ચોળતો-ચોળતોય અમારી ટોળીને મીઠો આવકાર તો આપતો,
હવે એને રાત દિ' નકરો કકળાટ કરતા વાહનો લોહીલુહાણ કરી દેશે.
ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.
ખાલીખાલી ઘરમાં આમતેમ ફરતી, કલબલાટ કરતી ચકલીઓ વિશે,
કંઈ કેટલીય મીઠી ફરિયાદો રહેતી અને ખોટી ખોટી ચીડ પણ,
કોની નજરોમાં રહેલો જાકારો વાંચીને એ બધી લાંબા રિસામણે જતી રહી હશે?
ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.
અમારી ભૂલ થાય તો કાન આમળતો અને દુઃખમાં સાથ આપતો,
ગામના પાદરે, કાયમ ખીલતો એ અમારા વડીલ જેવો વડલો,
એની માલિકીનું આકાશ કાપીને હવે લોક એને ગૂંગળાવશે.
ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.
સાંકડી ગલીઓમાં માણસ સચવાઈ જશે ને સૂમસામ રસ્તાઓથી બીશે,
ભીડ નકરી ઊભરાશે ચારેકોર અને મેળો બારેમાસ લાગશે
સીધી લીટીનો માણસ ચીસો પાડશે અને વાંકાઓ મૂંછમાં હસશે
ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.
--- રાજેશ સંઘવી