મનના વિચારો એટલા ઝડપી ગતિએ ભાગતા હોય છે ને કે ક્યારેક આપણે પણ એમને પકડી શકતા નથી. મન જો આપણાં વશમાં ન હોય તો એ ક્યારે કયો નિર્ણય લઈ લેશે ને તે આપણને ખબર પણ નહીં પડે અને આપણે એને સ્વીકારવો જ પડશે. એનાં કરતાં સારુ એ છે કે મનને કાબુમાં રાખીને એની ઝડપી ગતિ ધીમી પાડીએ.
જ્યારે કોઈ કામ કરતી વખતે આપણને થોડી સફળતા મળે ને તો વધુ ઝડપી કામ કરવાની લાલસા ન રાખવી. શાંતિથી વિચારીને આગળ વધવું. થોડી ધીરજ રાખવી પણ જરુરી છે.
એક વાર એક સાધુએ પોતાના ત્રણ શિષ્યોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એમણે તેમણે કહ્યું કે જે જંગલમાંથી લાકડા લઈને સૌથી પહેલા અહીં આવશે તે જ મારો સાચો શિષ્ય. પણ આ સાથે તમારે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે. એ બાબતો પર નજર હું રાખીશ, પણ હુ તમને એ કહીશ નહીં.
હવે એક શિષ્યને પહેલા પહોંચવાની ઉતાવળ હોવાથી એ ખૂબ જ ઝડપી કામ પતાવીને લાકડા લઇને ત્યાં પહોચી ગયો, બીજો શિષ્ય સૂકા અને ભીના લાકડા છૂટા પાડીને પછી ગયો, જ્યારે ત્રીજો શિષ્ય ભીના અને સૂકા લાકડા છૂટા પાડી, રસ્તે આવતાં ઝાડી ઝાખરાં અને અન્ય અડચણો દૂર કરીને સૌથી છેલ્લે ત્યાં પહોંચ્યો. તો હવે તમે જ કહો ઝડપી વ્યક્તિ જ હમેશા યોગ્ય હોય છે?
આજકાલ તો બાળકોને પણ એટલી ઉતાવળ હોય છે ને કે એમને ખબર જ નથી પડતી કે એમનાં સ્વાસ્થ્ય પર એઓ ધ્યાન આપતાં જ નથી. વડીલોની વાતો એમને યોગ્ય લાગતી નથી. ફેશનના નામ પણ બાળકોએ એટલાં પણ ઝડપી ન બનવું કે યોગ્ય અયોગ્ય બાબતોની છણાવટ જ ન કરી શકે. પણ આ બધા માટે માતા પિતાએ નાનપણથી જ ટેવ પાડવી પડે.
આજનો માનવી સંબંધોની બાબતમાં પણ ઝડપી નિર્ણય લઈ લે છે. થોડી સમસ્યા આવી અને સાથે બેસીને ચર્ચા કરી ઉકેલ લાવવાને બદલે સંબંધ તોડી નાખવાનું પસંદ કરે છે. કેટલી હદે આ વાત યોગ્ય છે?
એટલે જ હંમેશા ઝડપી બનવાને બદલે ક્યારેક થોડા ધીમા પણ પડીએ.
#ઝડપી