માળો તો પંખી બનાવે. એમાં પોતે રહે, એનાં બચ્ચાને મોટા કરે, દૂર દૂરથી એને માટે ખાવા પીવાનું લાવે અને મોટા થાય ત્યારે ભૂલી જાય કે મા બાપે શું કર્યું છે અને પાંખો આવતા જ ઊડી જાય. આવુ માત્ર પ્રાણીઓ કે પક્ષીઓમાં જ થાય છે એવી કુદરતની રચના હતી.
પણ આજ કાલ આપણે જોઈએ છીએ કે મનુષ્યોમાં પણ આ જ થઈ રહ્યું છે. બાળકો મોટા થાય છે અને પોતાની નોકરી અને પ્રગતિનાં નામે મા બાપે બનાવેલ માળો છોડીને ચાલ્યા જાય છે. ખોટું નથી. પોતાની પ્રગતિ કરવી એ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. પણ મા બાપનો માળો છોડીને ભલે પોતાનો માળો બનાવીએ, એમને પણ સાથે લઈ જઈએ. હા, માતા પિતા પોતે સાથે આવવાની ના પાડે તો અલગ વાત છે. પરંતુ એમને પોતાની સાથે આવવા માટે મનાવવાનાં શકય પ્રયત્નો તો કરી જ લઈએ. તે છતાં પણ ન જ માને તો એમને ખોટું ન લાગે અને સંબંધો પર એની અવળી અસર ન પડે એનું ધ્યાન રાખીને એમનો માળો છોડીને આપણાં માળામાં જઈએ.
સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે એકબીજાનો સંપર્ક છૂટે નહીં. ફોન દ્વારા રોજ અને જ્યારે પણ સમય મળે ત્યારે એકબીજાના માળામાં જઈને મળીએ. બન્ને પક્ષે થોડી હૂંફ રહેશે.
આપણે સૌ જાણીએ જ છીએ કે અંતે તો આ શરીરરૂપી માળો પણ છોડીને આપણે જતાં જ રહેવાનું છે, તો શકય હોય એટલો આ માળો સાચવી રાખીએ, રોગોથી એનું રક્ષણ કરીએ અને ખોટા વિચારોથી આ માળાને બચાવીએ જેથી કર્મોનું ફ્ળ નવા માળાએ ઓછું ભોગવવું પડે.
#માળો