દીવો અને મરજીવો
દીવો અને મરજીવો
ઘડીક જલતો ને ઘડીક બુઝતો,
એમ ઓલવાતો હું દીવો નથી...
મોતી છીપાયા જો ઊંડા પાણી માં...
તો હું ય છીછરા પાણીનો મરજીવો નથી...
લાખ કરેને ભલે કોશિશ હો દુનિયા
યાચના કરીને જીવનાર હું ગરજીવો નથી...
કાળજી ને કરકસર એ કદાચ આભૂષણ છે મારા..
કીંમતી ધાતુઓ કરતા મારે મન પાષાણ જ સારા..
પીળું જોતાં જ ધસી પડે એવો હું હરજીવો નથી..
માન સમ્માનની વાત જ ક્યાં??ઇમાનને વેચતા બજાર છે..
બેઇમાની છે પૂરબહારમાં, અહીં બધા જ ઇનામદાર છે..
ધડ, મસ્તક અને શ્વાસ છે, બધા જ ખાસમખાસ છે..
આતમને તો ગીધડા ચૂંથી ગ્યા,બચેલ બાકી જીવતી લાશ છે..
માંસ ના લોથડા લટકાવી ફરે,એટલા માત્રથી એ સજીવો નથી,
હૃદયને પાષાણ બનાવી શકું, સંવેદનને સ્મશાન બનાવી શકું..
રહી શકું નિરાંતે મરેલા સજીવોની વચ્ચે,
સાવ એવો પણ જીવંત હું નરજીવો નથી...
મોતી છીપાયા જો ઊંડા પાણી માં...
તો હું ય છીછરા પાણીનો મરજીવો નથી...
આતમ મારું આ અલગાર છે..
સંવેદનહીનતાની સામે યલગાર છે..
તલવારો નથી મ પાસે તો શું??
'નિતાંત શબ્દોની કાઢી મેં ધાર છે..
કલમ છે આરાધ્ય મારી, કલમ જ મારું હથિયાર છે..
લડવું કલમથી સ્વભાવ મારો ને ઓળખ મુજની કલમકાર છે..
કાનૂની કલમથી માટી થઈ જાઉં,
ડરથી પેસીને દરમાં ઘરઘાટી થઈ જાઉં
ડરી ડરીને એમ જીવી જનારો,
સાવ એવો પણ હું ડરજીવો નથી..
મોતી છીપાયા જો ઊંડા પાણી માં...
તો હું ય છીછરા પાણીનો મરજીવો નથી...