ઉપર નહીં કળાય તો ભીતર ભર્યાં હશે,
મીઠાં જખમથી કંઇકનાં અંતર ભર્યાં હશે.
એને નિહાળવાને મને દેજે આંખડી,
ખાબોચિયામાં જેણે સમંદર ભર્યાં હશે.
કેવાં હશે એ પ્યારથી ભરેલાં માનવી,
અપમાનમાંય જેમનાં આદર ભર્યાં હશે.
જેના હરેક ઇશારે જીવન દોહ્યલાં બને,
આંખોમાં એની કેવાંયે મંતર ભર્યાં હશે.
‘નાઝિર’!પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે,
જ્યારે કે માણસાઈથી સૌ ઘર ભર્યાં હશે
- નાઝિર દેખૈયા