દરેક ક્ષણે કોઈ માણસ આપણામાં કૈક રોપતો હોય છે. જે રોપાતું હોય એ ઊગતું હોય છે. બાવળ વવાય તો કાંટા ઉગે ને તુલસી વવાય તો નિર્મળતા ઉગે. કોઈ વિચાર ,વાત સારી ખરાબ ટેવ. આપણી આજુ બાજુ ના માણસો થી આપના જીવન ની ગુણવત્તા નક્કી થતી હોય . એટલે જો આજુબાજુ ના સંબંધો પૌષ્ટિક હોય તો જીવન માં દરેક ગુણો નો સર્વોદય થાય. પરંતુ પ્રશ્ન એ પણ થાય કે સબંધો ની ગુણવત્તા કેમની પારખી શકાય ? આજના સમય પ્રમાણે આલેખન કરતા લાગે કે સાથે પડાવેલ ફોટા કે વોટ્સઅપ માં થયેલ મેસેજ કે ઇમોજી ની આપ-લે દ્વારા સબંધો નો આંક નીકળે છે છે પરંતુ સબંધ ની સાચી ઓળખ સમય ના સૂક્ષ્મદર્શક યંત્ર થી કરતા માલુમ પડશે કે સાચા સબંધો નિસ્વાર્થ પ્રેમ ની પાતળી ધરી પર જીવાતા હોય છે. એટલે સમય કાઢીને જો સાથે પસાર કરેલી ક્ષણો ની યાદી બનવીએ અને છેલ્લી વિતાવેલ ક્ષણ ગાળતા ઘણો બધો અવકાશ , થોડી ઘણી કટુતા અને પૂર્ણવિરામ જેવું કાંઈક ગરણી ઉપર વધે તો માનવું કે બે માંથી એકાદ પક્ષે થોડી ઉણપ રહી છે. અને આ ઉણપ શા કારણે અને શેની રહી એ જાણવામાં અને જણાવવામાં મોડું થતા સબંધો ના સમીકરણ પર પૂર્ણવિરામ લાગી જાય છે. નિસ્વાર્થ સબંધ ની સુગંધ નોખી હોય છે. એવા સબંધો લીમડા નીચેના ઓટલા જેવા હોય છે જેની નીચે થી મન ને ટાઢક મળી શકે.જ્યાં મન હસી શકે ને ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડી પણ શકે. આજ દિન સુધી લખાયેલા અક્ષરો ને ઉકેલશું તો ખબર પડશે કે આ બધી લમણાંઝીંક મન ની છે. મન ની અંદર જે ચાલતું હોય એ બહાર આવે છે ને એ મુજબ જ પરિસ્થિતિ અને સબંધો ને આકાર મળે છે. જો અંદર બાગ હોય તો સુગંધ જ આવે. જે રીતે શરીર અને પરિસ્થિતિ ને સંભાળવા બુદ્ધિપૂર્વક પ્રયત્નો થાય છે એ જ રીતે મન ને પણ માવજત ની જરૂર છે. અંદર નો કોહવાટ કકળાટ બનીને બાર ઠલવાય એની પેલા એને યોગ્ય રીતે થાળે પાડવો જોઈએ. જેમ લોખંડ ને લોખંડ કાપે એમ વિચારો વિચારો ને કાપે પણ અહીં એક વાત નોંધવી રહી કે નબળા , નકામા ને હીન વિચારો માટે શ્રેષ્ઠ વિચારનો ધારદાર ભાલો નહિ પણ ઝબકારા નું નાનું અમથું ચપ્પુ યે ચાલી જાય. જેમ વિચારો થી વિચારો અથડાય છે એમ આજુબાજુ નજર કરીશું તો અનુભવ થશે કે સ્વભાવ થી સ્વભાવ પણ અથડાય છે. જેમ વૃક્ષ એનું વૃક્ષત્વ, પશુ એનું પશુત્વ, જળ એનું જળત્વ જાળવી રાખે છે એમ માણસ પણ માણસત્વ જાળવી રાખે છે. પણ સવાલ અહીં એ કે આજનું માણસત્વ કેવું ? મોસંબી ની દરેક ચીર ને અલગ કરીને પૃથકરણ કરીયે એ માફક પૃથકરણ કરતા જણાશે કે માણસત્વ એ ફક્ત ગ્રન્થ નો ખોખલો શબ્દ બનીને ધૂળ ખાઈ રહ્યુ છે અને જડત્વ એ માણસત્વ નો સમાનાર્થી લાગી રહ્યો છે.એટલે જો ચક્કર પૂરું કરીયે અને પ્રથમ પક્તિ થી તાળો મેળવીએ તો કહી શકાય કે જો પુષ્ટ વિચારો ના બીજ વાવય તો જીવન બાગ બને. અંદર નો કંકાશ અંદર જ કોહવાઇ ને ખાતર બની જાય, વિચારપુષ્પ ખીલે અને સુગંધ ચોતરફ પ્રસરે. જેની અનુભુતી ચોક્કસ પણે સબંધો પર થાય છે. એટલે આપણા માં કોણ શુ વાવે છે અને આપણે બીજામાં શુ વાવીએ છીએ એનો વિચાર ચિત્ત માં એકાદવાર ઝબકે તો માનજો આ મનોમંથન સાર્થક થયું.