ભાગ્યરેખા
(સિમરન અને રાજ ઘર માં પ્રવેશતા)
સિમરન - મમ્મીજી તપાસ કરાવી. ડોક્ટર એ કિધુ "દિકરી છે"
રાજ ની મમ્મી - કહેતા શરમ પણ નથી આવતી ? નિષ્ઠુર સાલી. બે દિકરી તો જણી ને બેઠી છુ ત્રીજી પણ દિકરી ? દિકરો ક્યારે આપીશ ? આટલા ટોંણા મારુ છુ તો પણ સમજતી નથી ? હવે દિકરો આપ તો એને જોઇ ને મારો જીવ સદ્દગતી એ જાય. કાલે જઇને જ આને પડાવી દે. અને રાજ તુ કાલે જા જ્યોતિષ પાસે અને પુછ કે છોકરો ક્યારે આવશે. વંશ આગળ કેમ વધશે ? બંને ને કહુ છુ મને દિકરો જોઇએ એટલે જોઇએ.
સિમરન - (રાજ ને) કઇક તો બોલો તમે. આમ કેમ થાય ? ભગવાને જે આપ્યુ એ. એને આમ મારી થોડી નખાય ?
રાજ - મમ્મી સાચુ જ કહે છે. ઉપાધી જોઇએ જ નહી કરાવી દે એબોર્શન. ફરી થી પ્રયત્ન કરીશુ ભગવાન દિકરો આપશે જ.
(બીજે દિવસે)
જ્યોતિષ - બોલો ભાઇ. હુ તમારી શુ મદદ કરી શકુ ?
રાજ - ઘણાં વર્ષો થી જિંદગી નિરસ થઇ ગઇ છે. પૈસા સુખ શાંતિ આ બધુ કોને કહેવાય એ બધુ જ ભુલાઇ ગયુ છે. પનોતી પર પનોતી આવ્યા જ કરે છે. કઇક ગ્રહો ની દશા સુધરે એવુ કરો. બે દિકરી બાદ પરિવાર ની ઇચ્છા હવે દિકરા ની છે તો એ માટે કોઇ રસ્તો બતાવશો ?
જ્યોતિષ - (કુંડલી જોતા) હા જીવન માં તકલીફો તો ઘણી આવી છે એ તો દેખાય જ છે. પણ હવે દિવસો બદલાશે એ પણ એટલુ જ સાચુ છે. સાચુ કહુ તો બહુ જલ્દી એવો ચમત્કાર થશે કે બધુ બદલાય જશે. આ બંને ગ્રહો નો મેળાપ અદ્દભુત રહેશે તમારા માટે.
રાજ - હુ કઇ સમજ્યો નહી.
જ્યોતિષ - તમારુ ત્રીજુ સંતાન તમારા ભાગ્ય ની રુપરેખા બદલી નાખશે. ભલે એ દિકરો કે દિકરી કોઇ પણ કેમ ના હોય. એ આવ્યા બાદ દરેક મુશ્કેલીઓ અને કકળાટ કાયમ માટે તમારા ઘર માંથી જતા રહેશે. તો હવે રાહ જોવો એ મહેમાન ની.
રાજ - (તરત જ સિમરન ને ફોન લગાવતા) સિમ્મુ કયાં છે તુ ? તુ કઇ જ ના કરાવીશ. ભલે જે આવે તે મને ચાલશે. જ્યોતિષ એ બહુ મોટી ખુશખબર આપી છે. તુ અત્યારે ને અત્યારે ઘરે પાછી જા. હુ પણ ઘરે જ આવુ છુ. ઘરે આવી ને બધી જ વાત કરુ.
સિમરન - કંટાળી ગઇ હતી હુ તમારા અને મમ્મી ના ટોંણા અને કટાક્ષ સાંભળી સાંભળી ને એટલે મે આનો કાયમી રસ્તો કાલે રાત્રે જ શોધી લીધો હતો.
રાજ - હુ કઇ સમજ્યો નહી સિમ્મુ.
સિમરન - નથી ઇચ્છતી હવે હુ હવે તમારા પાપ માં ભાગીદાર થવા. મે અેબોર્શન ની સાથે સાથે કોથળી પણ કઢાવી નાખી.
ત્યાંજ રાજ ના અંતરઆત્મા થી એક અવાજ આવે છે "હુ તને તારી અપેક્ષા કરતાં પણ વધારે આપવા ઇચ્છી જ રહ્યો હતો પણ ત્યાં જ તે આ ભૃણહત્યા નો વિચાર કર્યો અને મે તારી નિયતી બદલી નાંખી" અને રાજ ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.
દરેક મનુષ્ય પોતાના કર્મો ની સાથે સાથે તે એક જીવ ને જન્મ આપી તે સમજણો ના થાય ત્યાં સુધી ઉછેર ની જવાબદારી લઇ માત્ર નિમિત્ત બનતો હોય છે તો આ દિકરો-દિકરી નો મોહ કેમ ???