દરેક લોકો ઘરમાં નાની-મોટી સેવા રાખીને પોતાના ઇષ્ટદેવની યથાશક્તિ ભક્તિ, પૂજા, અર્ચના કરતા હોય છે. આર્થિક દ્રષ્ટિએ ધનવાન લોકો ઘરમાં મંદિર - પૂજા ગૃહ માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે.મોટા ભાગના લોકો તેમના પૂજાસ્થળમાં અશાસ્ત્રીય રીતે દેવી, દેવતાઓના પ્રતીકની સ્થાપના કરતા હોય છે.
પૂજા સ્થળમાં મૂર્તિઓ, યંત્ર, શાલિગ્રામ કે કોઇપણ પ્રતીકની સ્થાપના કરવાની હોય છે તે માટે શિખરબંદી મંદિર બનાવવું પડે અને તેની શાસ્ત્રીય રીતે પ્રતિષ્ઠા કરવી પડે. આ પ્રમાણે ન કરતાં અનિષ્ટ થવાનો ભય રહેલો છે. પ્રતિમા,યંત્ર શાલિગ્રામ વગેરે સેવામાં પધરાવેલાં હોય તો તેને નિત્ય દૂધ,પંચામૃત,કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવીને ત્યારબાદ પૂજન કરવું પડે. ઘણા લોકો સેવામાં મૂર્તિઓ રાખતા હોય છે, પણ તેમને ભાગ્યે જ સ્નાન અભિષેક કરતા હોય છે,મૂર્તિઓ ઉપર ધૂળ ચઢેલી જોવા મળે છે. જેઓ મૂર્તિ કે યંત્રને અભિષેક વગેરે કર્મકાંડ ન કરી શકતા હોય એમણે ઇષ્ટદેવના ફોટા કે ચિત્રને જ સ્થાપવા,મૂર્તિ-યંત્રની સ્થાપના કરવી નહીં. ચિત્રનું ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત, જળ, નૈવેદ્ય વગેરે ધરાવીને પૂજન કરવું.ગૃહસ્થે તેના પૂજા ગૃહમાં કોઇ એક જ દેવ-દેવી કે ઇષ્ટદેવનું ચિત્ર રાખવું નહીં.
ગણેશ ઇષ્ટદેવ, શક્ય હોય તો ઇષ્ટદેવનું યુગલ ચિત્ર,શિવ, નારાયણ વગેરે ઇષ્ટદેવ ઉપરાંત એક કરતાં વધુ દેવ-દેવીને સેવા સ્થળે પધરાવવાં જોઇએ.
પરંતુ સેવામાં શિવલિંગ, બે સૂર્ય, બે શાલિગ્રામ,બેદ્વારિકાચક્ર,ત્રણ ગણેશ, ત્રણ દેવીઓ, બે શંખ રાખવાં નહીં કે તેની પૂજા કરવી નહીં. બે શંખ એક જ જાતિના ન રાખવા.નર-માદા એમબે જાતિના શંખ રાખી શકાય.ખંડિત મૂર્તિની પૂજા કદી કરવી નહીં. યંત્ર કોતરેલાં નહીં પણ ઉપસાવેલાં હોવાં જોઇએ. ભોજપત્ર પર અષ્ટગંધની શાહી અને દાડમડીની ચીતરેલા યંત્રની ફોટોફ્રેમબનાવીને સેવામાં રાખી શકાય.ગૃહસ્થે દરેક મંત્ર આગળ ૐ લગાડીને જપ કરવો જોઇએ. દા.ત. ૐ નમઃ શિવાય, વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓએ મંત્રની આગળ - પાછળ એમ બંને બાજુ ૐ લગાડી જપ કરવો જોઈએ. દા.ત. ૐ નમઃ શિવાય ૐ.
વૈષ્ણવ મંત્રમાં પહેલા ૐ લગાડી જપ કરવો. દા.ત. ૐ નમો નારાયણાય.શિવ મંત્રમાં મંત્ર આગળ હ્રીંમ્ લગાડી જપ કરવો. દા.તા. હ્રીંમ્ નમઃશિવાય,આ પ્રમાણે દેવી મંત્રની આગળ હ્રીમ્ સૂર્ય તથા અન્ય દેવતાઓના મંત્ર આગળ હ્રીંમ્ તથા લક્ષ્મી ગણેશના મંત્ર આગળ શ્રીંમ્ બીજ લગાડીને જપ કરવો જે લાભદાયક નિવડે છે. એવો એક નિયમ છે.
ૐ પ્રણવ છે.દરેક મંત્ર આગળ ૐ લગાડવો જોઇએ, પરંતુ વાગ્બીજ 'ઐમ્' કામબીજ 'કલીમ્' શક્તિ બીજ 'હ્રીમ્'અને લક્ષ્મી બીજ 'શ્રીમ્' તંત્ર શાસ્ત્રના મતે પ્રણવ ગણાય છે. આથી જે મંત્ર આગણ ઐમ્, શ્રીમ્, હ્રીમ્ કે કલીમ્ બીજ લાગેલાં હોય તો તેની આગળ ૐ પ્રણવ લગાડી શકાય નહીં. આવો શાસ્ત્રનો મત છે. તંત્ર ગ્રંથોના સુપ્રસિધ્ધ રચયિતા ગોવિંદ શાસ્ત્રીના મતે ૐ પ્રણવ મંત્રનો જપ સાધુ સંન્યાસીઓએ જ કરવો જોઇએ. ગૃહસ્થોએ ૐ પ્રણવ સાથે નામ કે મંત્ર જોડીને જ જપ કરવો. જેમકે ૐ નમો નારાયણાય, ૐ શિવાય નમઃ
ભગવાન વિષ્ણુને અક્ષત, ગણેશને તુલસી, દુર્ગાને દુર્વા, સુર્યને બિલ્વપત્ર અને વિષ્ણુને ધતૂરા કે આકડાનાં ફૂલ અર્પણ કરવાં નહીં, પત્ર, પુષ્પ ફળ જેવા ઉત્પન્ન થાય છે તેવા પ્રકારે જ પ્રભુને અર્પણ કરવા. માત્ર બિલ્વ પત્ર ઊંધુ કરીને ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે છે. દેવ-દેવીની જમણી બાજુ ઘીનો દીવો, ડાબી બાજુ તેલનો દીવો તથા ધૂપ પ્રગટાવવો. દેવીની એક, સુર્યની સાત, ગણેશની ત્રણ, વિષ્ણુની ચાર અને શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. સુર્યોદય પહેલાં ઈષ્ટદેવનું પૂજન-અર્ચન કરવું. સેવા વખતે અંગ પર ધારણ કરેલા વસ્ત્રો સીવેલાં ન હોય તો ઉત્તમ. પીતાંબર કે ઉપવસ્ત્ર ઓઢીને સેવા કરવાથી સેવા સફળ થાય છે.
#જ્યોતિષાચાર્ય_લલિતદાદા