❛ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.
કાચીંડો ભવદ્દગીતા પર બેઠો તો સંયોગવશ બસ !
પંડિતો એમાંય ઊંડા અર્થ સંકેતો જુએ છે.
છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારના ઈંડાં મૂકે છે.
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.
પંડની પીડા વિશે કહેતા મને આવું સૂઝે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બૂઝે છે !
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.❜
- અનિલ ચાવડા