અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે
ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે
તિલકના રંગ ને અર્થો તો એના એ જ રહેવાના
અગર બદલાય કૈં તો આંગળી ને ભાલ બદલાશે
સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતીથી
જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે
અવિરત ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે
તું કોશિશ કર તો સંભવ છે કે એનો તાલ બદલાશે
પ્રહારો સર્વ શસ્ત્રોના સહ્યા છે ઓથ લઈ એની
હવે ચિંતા રહે છે શું થશે જો ઢાલ બદલાશે .
#अज्ञात