*મેઘ વરસી જા*...
મુશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઑતરાદું કોરું ધાક્કોર
ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઇ ગ્યો ડાકોર
મેઘ વરસી જા અઢળક આ કોર
બતકી ને હંસ તરે રેતીને વ્હાણ, ઓલ્યા કલકલીયે છોડી છે માછલી
સુરખાબે રણને સલામ કરી લીધી છે, ભરવા ઉડાન હવે પાછલી
ચાતક ટીટોડી તો પરસેવે ન્હાય, અને આંસુડાં પીવે છે મોર
મેઘ વરસી જા અઢળક આ કોર
કેમ કરી ખેડૂના ખાડા પુરાય, તને સ્હેજે પણ આવે ના લાજ?
ઝરણાંને નદીયુંથી અળગાં કરીશ! એવા નખરાને છોડી દે આજ
એકવાર ધોધમાર રમઝટ બોલાવ, પછી નિરાંતે આવ છેક પો'ર
મેઘ વરસી જા અઢળક આ કોર
પર્ણોએ ખોયાં છે ઓસ તણાં બિંદુ ને ચીમળાઈ ગઈ છે લજામણી
નાગરની વેલ, રાતરાણી ને જુઈ, કદી નીરખી ના આમ સાવ વામણી
જલ્દી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થોર
મેઘ વરસી જા અઢળક આ કોર.