#KAVYOTSAV -2
ગઝલ
વિશાલ જોશી " સ્નેહ"
આપણું ધાર્યું કદી ક્યારેય પણ થાતું નથી.
આંખનું ટીપું નદી ક્યારેય પણ થાતું નથી.
સાવ નોખું વિશ્વ એ સપનું કહો છો જે તમે,
થાય છે ત્યાં તે અહીં ક્યારેય પણ થાતું નથી.
આંગળીનાં સ્પર્શથી હે શ્વેત કાગળ ડર નહીં,
ટેરવું દીવાસળી ક્યારેય પણ થાતું નથી.
કાચની સમતલ સપાટી ઝીલશે બે ચાર ક્ષણ,
દ્રશ્ય એમાં કાયમી ક્યારેય પણ થાતું નથી.
આ હયાતીનું વમળ છે ભિન્ન વલયોથી સભર,
એકસરખું એ ફરી ક્યારેય પણ થાતું નથી.