પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલના ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહિ આવું,
અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે.
હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.
ઠરી જાશે હમણાં જ એમ માનીને મેં ન ઠાર્યા,
ખબર નો'તી આ નજીવા તિખારા પણ દગો દેશે.
હું જાણુ છું છતાં નિશદિન લૂંટાવા જાઉં છું "નાઝીર" ,
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.