તારા ગયા પછી રહ્યાં સંભારણાં અતીતનાં.
સાથે વીતાવ્યાં વર્ષો પારસ્પરિક એવી પ્રીતનાં.
સરકી ગયો સમો યૌવનકાળ આપણો કેવો!
નયન પલકારે ગયો કાળ સુખનો સદા એવો!
ને અચાનક જવાનું થતાં તારે દુનિયાને ત્યજી,
રે રે તારે રહેવું ઘટે અધૂરી આશા રહી હજી.
યાદ છે મને દર્પણ સંમુખ ઊભી હો થૈ રાજી,
ચંદ્રમુખી અવલોકતાં તને એ પણ ચહે ઝાઝી.
રણકાર મધુરો તારો કાનમાં ગુંજે એ અવિરત,
ને વિદાય તારી ના સ્વીકારે કે ના થાય એ સંમત.
ઘર તારા થકી લાગતું કેવું ભર્યું ભર્યું રિદ્ધિ મારી,
રંગરુપને સ્વભાવ સાલસ રખે પ્રસિદ્ધિ મારી.
સૂકાતા સાદ જ્યાં એકમેકને બોલાવતા વળી,
અલ્પ ગેરહાજરી પણ આંકરી ટાળતા વળી.
સૂમસામ દુનિયા મારી નિરાશાના સૂર ઉચ્ચરે,
સ્મરણો અતીતનાં લાખ યત્ને પણ ના વિસરે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '