Quotes by રામાશ્રય જ્યુબીલી in Bitesapp read free

રામાશ્રય જ્યુબીલી

રામાશ્રય જ્યુબીલી

@usqwztux9300.mb


વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત છે.
રાત થોડીને વેશ સઘળા ભજવવાની વાત છે.

એક હતી વીજળી કાસમની સમદરમાં સમાઈ,
આપણે તો આખો દરિયો ખેડવાની વાત છે.

ઘનઘોર ઘટાએ આભ ઉજાળતી રહી વીજળી,
પ્રકાશપુંજની સાક્ષીએ ધરાને મળ્યાની વાત છે.

નયનના નિમિષની જેમ આયખું વીતી જાય છે,
સમયને સાધીને કૈંક આપણે કરવાની વાત છે.

લીધા હશે જીવ કેટલા એ આભની વીજળીએ,
તોયે નિજહસ્તે ઘરમાં એને પ્રગટાવવાની વાત છે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..

Read More

પિતા વચને રાજ ત્યજનાર રામ તમે.
અવધ તજી વનગમન કરનાર રામ તમે.

કૈકયી લેણાં વચને ભરતને ગાદી માગી,
વર્ષ ચૌદ વનવાસ સ્વીકારનાર રામ તમે.

મળી વનવાસી સીતા લખન સંગ રહ્યા,
સંગ ૠષિમુનો સદા કરનાર રામ તમે.

પ્રેમ દેખી કેવટનો પદ પ્રક્ષાલન ગંગાતીરે,
ભીલ કીરાતને ગળે લગાડનાર રામ તમે.

સુવર્ણ મૃગ પામવા દૂરસુદૂર ગયા પ્રભુ,
માયાવી મારીચને હણનાર રામ તમે.

ભીલનારી અધમ શબરી પંપાતીરે રહે,
જૂઠાં બોર એના આરોગનાર રામ તમે.

થઈ મિત્રતા સુગ્રીવ સંગાથે મારુતિથી,
વાલીને એક જ બાણે મારનાર રામ તમે.

હણ્યો દશાનન એકત્રીસ બાણ ખેંચીને,
રામરાજ્ય અવધમાં સ્થાપનાર રામ તમે.

એકપત્ની, એકવચન આદર્શ તમારોને,
થયો સર્વત્ર તમારો જયજયકાર રામ તમે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

બાવળ તો આપમેળે ઉગતા, આંબા વાવી જજો તમે.
વૈખરી વદનારા લાખો મળતા, પરા ઉચ્ચારી જજો તમે.

' તડફડ' ની ભાષા બોલનારા ઠેરઠેર ઘેરઘેર મળી જતા,
કોઈના ગુનાની સજાને બદલે ક્ષમા એને કરી દેજો તમે.

સ્વાર્થ સાધવા સંબંધો બાંધનારા સઘળે સાંપડતા સહુ,
નિઃસ્વાર્થ પરહિત કાજે જાત ઘસાવી જીવી જજો તમે.

મંદિરને તીર્થધામોમાં પૂજન અર્ચન કરનારા હશે ઘણા,
માનવને મંદિર ગણીને જનસેવામાં કદી લાગી જજો તમે.

નથી જરુરત કેવળ વ્રત, જપ કે ઉપવાસ કરવાનીને,
સેવક અન્નપૂર્ણાના થૈ જઠરાગ્નિ ભૂખ્યાંનાં ઠારજો તમે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..

Read More

તમારી જીવન ઝરમરમાંથી પામી શકીએ ' બાપુ' ઘણું.
તમારી જીવન ઝરમરમાંથી શીખી શકીએ ' બાપુ ' ઘણું.

સત્યના પ્રયોગો તમારા જીવનની પ્રયોગશાળામાં થયા,
રાખી આત્મબળ સત્યને આચરી શકીએ ' બાપુ' ઘણું .

વાત સાદગીનીને ખાદીની આજ પણ લાગુ પડે એટલી,
વિદેશી વર્તનની ચુંગાલેથી પાછા ફરી શકીએ ' બાપુ' ઘણું.

અહિંસાનો સિધ્ધાંત તમારો આજ પણ છે કેવો જરુરી,
' જીવોને જીવવા દો ' સૂત્ર જીવને ધરી શકીએ 'બાપુ' ઘણું.

સ્વાદત્યાગનો આગ્રહ તમારો ડોકટરોથી દૂર રાખનારો છે,
સાત્વિક ભોજન થકી આરોગ્ય મેળવી શકીએ ' બાપુ ' ઘણું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More

મારા પ્રત્યેક વિચારે રહે નામ તારું.
મારા પ્રત્યેક ઉચ્ચારે રહે નામ તારું.

જન્મોજન્મનો તું છો સંગી મારો ને,
મારા પ્રત્યેક વ્યવહારે રહે નામ તારું.

કેમ ભૂલી શકાય હૃદયના સ્પંદનોને,
મારા પ્રત્યેક ધબકારે રહે નામ તારું.

સંબંધ આપણો સમર્પણનો હરિ ને,
મારા પ્રત્યેક આચારે રહે નામ તારું.

ઝંખના દર્શનની ભવોભવની મારી,
મુસીબતોના પડકારે રહે નામ તારું.

આગમન ઇપ્સિત મારે હરિવર સદા,
રોમેરોમના આવકારે રહે નામ તારું.

મીટાવી દે દ્વૈત દયાનિધિ અવસર છે,
ઉરઅગન દિલની ઠારે રહે નામ તારું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More

તને વનવનનાં પક્ષીઓ પોકારે આવ રે વરસાદ.
ઝરમર ધારે કે પછી અનરાધારે આવ રે વરસાદ.

ધરતી બની ગઈ છે સૂકી, એનાં જળ ગયાં ડૂકી.
તને મયૂર બોલાવતા ટહૂકારે , આવ રે વરસાદ.

અવનીના ઉરે અગન ઝાઝી, સૂની થઈ વનરાજી.
આજે મીટ માંડી છે કૃષિકારે, આવ રે વસાદ.

નાનાં ભૂલકાંને તરાવવી હોડી,રાહ જોઈ રહી ટોળી.
જગનો તાત આજે તને પોકારે, આવ રે વરસાદ.

ચાતક વિહંગ તને આજે ઝંખે, તૃષાતુર જીવન ડંખે.
જળતંગી સમસ્યા થૈ પડકારે, આવ રે વરસાદ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક "

Read More

પ્રેમ સદા સંતાનો પર પાથરતા વહાલા પપ્પા મારા.
રડતા બાળને ભાગ દૈ મનાવતા વહાલા પપ્પા મારા.

હેત એનું પ્રસંગોપાત પ્રગટી રહેતું એના વર્તન થકી,
અમને પોતાનું જે સર્વસ્વ ગણતા વહાલા પપ્પા મારા.

થાય ભૂલચૂક કદીએ તો રડાવીને પાછા હસાવતા,
કથા પુરાણોની કહીને સમજાવતા વહાલા પપ્પા મારા.

જરુરિયાત અમારી પૂરવા પોતે ઓવરટાઈમ કરતા,
સ્વયં ઠંડું જમી ગરમ ખવડાવતા વહાલા પપ્પા મારા.

શિષ્ટાચારને સામાજિકતા લાવવા સતત જે મથતા,
ક્યારેક લેસન તપાસી કેવા વઢતા વહાલા પપ્પા મારા.

છૂપાવતા સ્નેહ અંતરે જબાને ઉગ્રતા લાવીને કદી,
હિત સદાય એ અમારું વિચારતા વહાલા પપ્પા મારા.

પિતૃદિને વંદન શતકોટિ ન ભૂલાય ઉપકાર જેમના,
માનવ સ્વરુપે દેવ અમને લાગતા વહાલા પપ્પા મારા.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More

ઘરના છત્રસમ મને લાગતા પિતા મારા.
ભરણપોષણ કુટુંબનું કરતા પિતા મારા.

સૌમ્ય અને રૌદ્ર બંને રુપ હજી યાદ છે,
ભીતર મૃદુ તોય કડક ભાસતા પિતા મારા.

ઘરથી આગળ વધીને શેરી બતાવી જેણે,
ભૂલ પડ્યે બાળકોને વઢતા પિતા મારા.

અમારા ભણતર કાજે નિજશોખ તજતા,
કરી કરકસર જીવન જીવતા પિતા મારા.

આવૃત્ત વહાલ એનું ભાગ્યે જ પરખાતું,
ભાગ લાવી બાળ રીઝવતા પિતા મારા.

હાલહવાલ ભણતરના સદાય પૂછનારા,
ઘટતી વસ્તુઓ પૂરી પાડતા પિતા મારા.

સલાહ સૂચનને માર્ગદર્શન જે આપનારા,
પાઠ દુનિયાદારીના શીખવતા પિતા મારા.

નિયમબદ્ધતાને ચોકસાઈ ભાગ જીવનનો,
અપનાવવા સદા આગ્રહી થતા પિતા મારા.

માતા પછીનું પૂજ્ય સ્થાન છે એનું કુટુંબે,
વડિલ તણી ભૂમિકા નિભાવતા પિતા મારા.

પિતૃદિને વંદન શતકોટિ એમના ઉપકારને,
કુટુંબની એકતા જાળવી રાખતા પિતા મારા.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More

વરસ્યો મુશળધાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.
સાથે કૃષ્ણ કિરતાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.

અહં ઇન્દ્રનું અપાર, ગોવર્ધન પૂજા ન સહેનાર.
સંકટ આપ્યું પારાવાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.

લાકડીને ટેકે છે ભાર, લીલા કૃષ્ણ કેવી કરનાર.
બારે મેઘથી રક્ષનાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.

ટચલી આંગળી આધાર,ગોવિંદ ઝીલે અવતાર.
ગોપબાળના પ્રાણાધાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.

રક્ષ્યાં વાછરુઓ હજાર, કરુણા કેવી અપરંપાર.
ઊતારે ઇંદ્રનો અહંકાર, ગોવાળિયા ગોવર્ધન ધરે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, આવોને પ્રીતમ આજ.
અંતર થકી આવકાર આપ્યા, આવોને પ્રીતમ આજ.

ભવોભવની પ્રતિક્ષા મારી ટાળોને ભગવંત તમે હવે,
અણસાર આગમનના ભાસ્યા, આવોને પ્રીતમ આજ.

નયન ગયાં થાકીને વાણી પણ તમને પોકારી પોકારી,
મુજ ઉરમાં અવિચળ વસ્યા, આવોને પ્રીતમ આજ.

બની બહાવરી તવ વિયોગે કૃપાળુ કૃષ્ણ અહર્નિશ,
લોચન દરશન કાજ તરસ્યાં, આવોને પ્રીતમ આજ.

ભૂલી ઘરબાર કુટુંબને કંથ સહિતનો સઘળો સંસાર,
પ્રિયતમ પ્રીત નિભાવે રસિયા, આવોને પ્રીતમ આજ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Read More