❛બીડેલ પોપચાંની બારીક તિરાડમાંથી,
સ્વપ્નાં પ્રવેશવાના પાંપણની વાડમાંથી.
આજે એ આવશેની દિલને ખબર પડી છે,
છટકે ન કયાંક જોજે ધબકારો નાડમાંથી.
આજે મિલનની આશા બે પાંદડે થવાની,
ફણગાશે દસ ટકોરા ફળદ્રુપ કમાડમાંથી.
તડકાના ગોળ-લાંબા ટપકાં છે છાંયડામાં,
એ તો સૂરજનાં આંસુ ટપકે છે ઝાડમાંથી.
આજેય અડીખમ છે ગિરનારનો ખોંખારો,
સંભળાય રોજ સાંજે સિંહણની ત્રાડમાંથી.
પૂરો પગાર તો ક્યાં મળવાનો દર મહિને,
થોડા ઘણાં કપાશે જૂના ઉપાડમાંથી.
આંસુ ખલીલ અણનમ માણસની આંખમાં પણ,
ઝરણા ફૂટે છે જાણે દિગ્ગજ પહાડમાંથી.❜
- ખલિલ ધનતેજવી