એક સુંદર વ્યંગ કાવ્ય
પાંચ હજાર વર્ષ પહેલા થયુ
હતું એમ "કહેવાય છે"
હવે તો દર પાંચ વર્ષે
મહાભારત થાય છે
હવે ક્યાં કૌરવો કે પાંડવો
ની વાત છે?
અહીં તો આ બધાની
એક જ નાત છે
કોણ ભીષ્મ કોણ દ્રોણ ને
ક્યાં કૃષ્ણની રાહ છે?
ઘડિમાં રંગ બદલતા
કાચીંડાની અહી ભરમાર છે
ભીષ્મની પ્રતિજ્ઞા હજુ
આજેય સંભળાય છે
વચનો બધાય હવે
ભાષણ પૂરતા જ પળાય છે
ધર્મ કે અધર્મની હવે ક્યા
આ લડાઈ છે?
કોણ કોને ઉલ્લુ બનાવે
તેની હરીફાઈ છે
દ્રૌપદીની ચીસ બહેરા કાને
જઈ અથડાય છે
અહીં તો ખેંચવાની શરતે જ
ચીર પુરાય છે
સાતમા કોઠા સુધી ક્યાં
કોઈથી જવાય છે?
અભિમન્યુ બધા પહેલા
કોઠે જ હણાય છે
શિખંડી ના મહોરા પહેરી
નીકળ્યા છે બધા
અસલી ચહેરો ક્યાં
કોઈનો ઓળખાય છે?
શંખ,ચક્ર,ગાંડિવ ને ગદા
ક્યાં વપરાય છે?
હવે તો શબ્દોથી જ યુદ્ધ
બધા ખેલાય છે
ખબર નહીં ક્યારે બનશે
આપણું સત્ નું ભારત?
બાકી અહીં તો ચાલે જ છે
"મત નું મહાભારત"