?નવી શરૂઆત?
પાનખરમાં મેં વસંતની એ વાત આજે કરી છે.
જિંદગી જીવવાની મેં નવી શરૂઆત આજે કરી છે.
શબ્દોની મોંઘવારી મને કંઈક એવી તે ભારે પડી,
કે શબ્દે-શબ્દે થીગડાં મારી મેં ગઝલ આજે રચી છે.
કાંકરીચાળો મુશ્કેલીઓનો મુજ પર એવો જોરદાર થયો,
કે કાંકરી-કાંકરી ભેગી કરી મેં દીવાલ આજે ચણી છે.
સપનાંઓ પુરા કરવાની એ લત મને કંઇક એવી પડી,
કે રાત-રાત ભર જાગીને મેં સવાર આજે કરી છે.
ખુદાથી લડાઈના મારા કિસ્સાઓ કંઈક એવા મશહૂર થયા,
કે એક-એક કિસ્સો જોડી મેં કહાની આજે લખી છે.
અમથું જ નથી ઉડી શકાયું કાંઇ "નિર્દોષ" નીલગગનમાં,
શ્વાસે-શ્વાસે હવા બચાવી મેં ઉડાન આજે ભરી છે.
✍?-મયૂર દેસાઈ "નિર્દોષ"✍?