અંતરની કિતાબ આજ ખોલે છે પાંદડું.
વૃક્ષની વેદનાને વ્યથાને બોલે છે પાંદડું.
હતું એકદા કેવું ઝાડમહીં લહેરાતું ડાળે,
સુખદુઃખ એનાં ત્રાજવેથી તોલે છે પાંદડું.
બાલસખા સંગ વસંતે શોભા હતું દ્રુમની,
હૈયાવરાળે અફસોસ બીજ ફોલે છે પાંદડું.
થૈ પીળું શુષ્ક કાળગતિએ ધરાને ચૂમતું,
થડમહીં લપાયું કો' અહિબખોલે છે પાંદડું.
લીલાશ એની ગઈ છે ધરબાઈ અતીતમાં,
અનિલસંગ ક્યાંક કદીયે એ ડોલે છે પાંદડું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '