# moral story
# સ્ત્રી,પ્રશંસા ની હકદાર કે અવગણના ને પાત્ર?
આજે રત્ના સવારથી ખુશ હતી. આજે સમગ્ર પરિવાર સાથે જમવાનો હતો. મેનુ તો એણે 2 દિવસ પહેલાજ વિચારી લીધું હતું. બપોરે પણ સરખો આરામ ન કર્યો અને રસોડામાં ચાલી ગઈ. બધાની પસંદ ધ્યાનમાં રાખીને એણે ખીચડી,કઢી,ઓળો,રોટલા બનાવ્યા, તાજું માખણ કાઢ્યું, તળેલા મરચા,ગોળ, છાશ અને મીઠાઈમાં સુખડી બનાવી. પુરા 3 કલાકની મહેનત અને શિયાળામાં પણ ચૂલા પાસે શેકાઈને પરસેવે રેબઝેબ થઈને એ રસોડાની બહાર આવી હજી પંખાની હવા લીધી ત્યાંજ સાસુનો અવાજ સંભળાયો વહુ થાળી પીરસજો અમારે કાકાને ત્યાં બેસવા જવાનું છે,એ પહેલાં જમી લઈએ. રત્ના થાક અને ગરમી બધું ભૂલીને હરખાતી હરખાતી થાળી તૈયાર કરવા લાગી માત્ર એ જ આશા એ કે આજે તેણે બનાવેલી રસોઈના વખાણ થશે. શિશિરને આમ તો રત્ના સામે જોવાનો પણ ટાઇમ નથી હોતો પણ આજે રસોઈ ચાખીને એ જરૂર બે મીઠા બોલ બોલશે. બસ આ જ આશામાં એ બધાની થાળી પીરસે છે. બધા જમવાનું ચાલુ કરે છે. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ કોઈ કાઈ બોલ્યું નહીં. પછી રત્નાથી રહેવાયું નહીં માટે એ બધાને સાથે પૂછી લે છે "બધું બરાબર છે ને ? " બધાએ ફક્ત એક અક્ષરનો જવાબ આપ્યો..'હમ્મ'. જમ્યા પછી બધા એક પછી એક ઉભા થઇ પોતપોતાના કામમાં લાગી જાય છે. રત્નાનો જમવાનો વારો આવ્યો ત્યારે એને એક કોળિયો પણ ગળા નીચે નથી ઉતરતો. ગળે ડૂમો બાઝી જાય છે અને આંખમાં પાણી આવી જાય છે. ત્યારે એનો 5 વર્ષનો દીકરો અંશ આવીને કહે છે મમ્મા સુખડી ઇઝ સુપર્બ. મને કાલે લન્ચબોક્સમાં આપીશ ? અને રત્નાની આંખના આંસુ હર્ષના આંસુમાં બદલાઈ જાય છે.