રાત્રીના બે વાગ્યા હતા. એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી. પડખા ફરી ફરીને થાક્યો. ચા પીધી, સીગરેટ પીધી, અગાશીમા ચક્કર મારી પણ ક્યાંય ચેન ન પડે.
આખરે થાકીને એ માણસ નીચે આવ્યો.
પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડીવાર આ મંદિરમા જાવ. ભગવાન પાસે બેસું, પ્રાર્થના કરુ, મને થોડી શાંતિ મળે.
એ માણસ મંદિરમા ગયો. જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાનની મુર્તિ સામે બેઠો હતો, ઉદાસ ચહેરો, આંખમાં કરુણતા..
એને જોઈને આ માણસને દયા આવી અને પૂછ્યું,
"કેમ ભાઈ આટલી મોડી રાત્રે?"
પેલા એ વાત કરી,
"મારી પત્ની હોસ્પિટલમા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી."
આ શ્રીમંત માણસે ખીસ્સામાંથી રૂપિયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા અને પેલાના ચહેરા પર ચમક આવી.
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું,
"હજુ પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો, એડ્રેસ પણ છે. રૂબરૂ આવીને મળજો. સંકોચ ન રાખશો."
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું અને કહ્યું,
"મારી પાસે એડ્રેસ છે, આ એડ્રેસની જરૂર નથી ભાઈ."
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું,
"કોનું એડ્રેસ છે?"
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો,
"જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું...!!!"...