અમર રહેશે ગાથા એમની જે સત્ય આચરીને જીવ્યા.
અમર રહેશે ગાથા એમની જેણે હરિને જીવનમાં સ્મર્યા.
પિતાવચને રાજ તજીને થૈ ઉદાસી વનગમન જેણે કીધાં,
અમર રહેશે ગાથા રામતણી જે વચનપાલનને અનુસર્યા.
સત્ય ખાતર રાજપાઠ તજીને દરદર જે ભટક્યા કેવા..!
અમર રહેશે ગાથા હરિચંદની જે આજીવન સત્ય વર્યા.
હરિને ખાતર સંતાપ સહ્યાને પિતાની વાત તોયે ના માની,
અમર રહેશે ગાથા પ્રહલાદની જેનાં હરિએ રખોપાં કર્યાં.
કાજ દેવોનાં કરવા કાજે જેણે અસ્થિ વજ્ર કરવાને દીધાં,
અમર રહેશે ગાથા દધિચીની જેણે ખુદ પ્રાણને પરહર્યાં.
દેશને ખાતર સર્વસ્વ સમર્પિત કર્યું આપી આઝાદી દેશને,
અમર રહેશે ગાથા મોહનની જેણે પાછાં ડગ ના કદી ભર્યાં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '