વિરહ કુઇનું ઓલું કાળોતરું નીર ,
હૈયાને હવાલે કરે એ તારી પીર
લીલુરી વેલના વળાંક કઈ એવા
જાણે છેટું ફૂલને ફોરમનું
જૂઈની ગંધ રાહમાં લૂંટાવી
વાવ્યું પાન એક મંઝીલનું
થીજી ગયેલી એક બળબળતી
રાતને આજ લૂંટી હાલ્યો ઓલો વીર
પાનખર જવાની રાહે ને રાહે
થડિયાના હાલ થયા એવા
વાટેલા કેસૂડાની ફોરમ ચોરીને
મહેકે આ મનના કુંડા કેવા ...
જોબન મજધારે મોરસ વગરની એવી
દરિયાને પીરસેલી હું ખીર
પજવે રે મુજને આ કાળોતરું નીર ....