કાઠિયાવાડી સાહિત્ય તો અદભુત છે… થોડા દુહા અહી આપ સર્વેની સેવા માં…
ઉજ્જડ કેડા ફરી વસે, નિર્ધની મા ધન હોય,
ગયા જોબન ન સાંપડે, મુવા ન જીવે કોય.
પહાડે પહાડે મણી નહી, ચંદન વન વન ન્હોય,
કોક જ દેશ કસ્તુરીયો, સતી ઘેર ઘેર ન્હોય.
ધનકું ઊંડા નવ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજા ભેળવે, તાકું રંગ ચડાવ.
ભલ ઘોડો, વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
જાજી ફોજું માં જીકવા, મરવું એકજ વાર.
ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,
સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય.
પીપળ પાન ખરત, હસતી કુંપળીયા,
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીયા.
મળશે કોક દી માનવી, દેશ વિદેશ ગયા,
ઇ માનવી ફરી નહી મળે, જે ધરતી ઢંક થયા.
હાથ વછુટી ગીર પડી, કાઢ શકે ના કોય,
હોણી અણહોણી નહી, હોણી હોય સો હોય.
સુણતલ કાન ન માની, ઇ નજરુ જોયા સાચ,
ત્રણ ભાંગ્યા સંધાય નહી, મન, મોતી ને કાચ.
છત ને તો છાયા ઘણી, અછત ને કોણ આપે,
અજો કહી ઓલવાણી, ઓલી ટાઢી ને કોણ તાપે.
મન મેલા, તન ઊજળા, બગલા કફર કઢંગ,
ઉનસે તો કાગા ભલા, તન મન એક જ રંગ.
કાયા જાજો સાબદી, પણ નાક મ જાજો નખ,
પાણી મ જાજો પાવડુ, ભલે લોહી વહ્યા જાય લખ.
કાંઉ જાજા કાગોલીયા, કાંઉ જાજા કપૂત,
હકડી સી મૈયણ ભલી, ને હકડો ભલો સપૂત.
દાઢ મા ખટકે કાંકરો, કણું ખટકે નેણ,
વચન ખટકે ઊરમાં, ને ગયા ખટકે શેણ.
કોયલડી ને કાગ, ઇનો વાને વરતારો નઇ,
પણ જીભલડીએ જવાબ, સાચું સોરાઠીયો ભણે.
નેક, ટેક ને ધરમ ની, આંયા તો પાણે પાણે વાત,
સંત ને શૂરા નિપજાવતી અમારી ધરતી ની અમીરાત.
…આભાર.