#FRIENDSHIPSTORY
સુદામો : ડૉ. સાગર અજમેરી
ગયા મહિને સાપુતારા -- વઘઇ પાસે ભારે વરસાદથી હું આગળ ના જઈ શક્યો. ત્યાંના સ્થાનિક સુદામા પાસેના અંબાપાડા ગામમાં તેના ઘરે મને લઈ ગયા. માત્ર પાંચ કલાક સાથે મુસાફરીમાં બનેલી મિત્રતામાં સુદામાએ પોતાના ઝૂંપડી જેવા મકાનમાં મને આશરો આપ્યો.
“અરે વાહ, મકાઇના રોટલા અને રીંગણાનું શાક..!”
“હા.. આજ મારે તાં જમો.!”
ટૂંકી પોતડીમાં ઉભેલા સુદામાની પાસે તેના ઉઘાડા ડીલે ઉભેલા બેઉ છોકરાં મારી સામે તાકી રહ્યા. મોડી રાત્રે “બાપુ કાંઇ જમવાનું દો ને..!” અવાજથી હું ચમકીને જાગ્યો. આ ગરીબ મિત્રએ મારા સારુ તેના બાળકોને એક રાત ભૂખ્યાં રાખ્યા..! સવારે પાછા વળતા તેને બે હજાર આપવા લંબાવેલ હાથ થંભી ગયો જ્યારે તે બોલ્યો, “આ સુદામો પણ ભાવનો જ ભૂખ્યો..!”