વાત તારી, મારી અને રીનાની.......
‘હેપ્પી બર્થડે મમા !’
‘હેપ્પી બર્થડે રીની !’ના પ્રેમભર્યા ઉદગાર વચ્ચે રીનીની ઊંઘ ઊડી. એને યાદ આવ્યું, અરે ! આજે તો મારો પચાસમો જન્મદિન ! જિંદગીનો એક મહત્વનો પડાવ અને સામે હતાં એ પડાવના સાથી એવાં પુત્ર-પુત્રી અને અસીમ એનો પતિ.
‘મમ્મી, બી પ્રીપેડ ફોર અ બ્લાસ્ટ – સવારના તારા પ્રિય સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં બ્રંચ. પછી તને ગમતું ગુજરાતી નાટક જોઈ દરિયાકિનારે લટાર અને છેલ્લે ગાર્ડન રેસ્ટોરાંમાં ડિનર. બોલ, છે ને મસ્ત પ્લાન !’ દીકરી ટહુકી. રીનાનું મન લાગણીથી ભીનું-ભીનું થઈ ગયું. પછીનો અડધો કલાક તૈયાર થવાની ધમાચકડી મચી, ત્યાં તો અસીમનો ફોન રણક્યો…. અરજન્ટ બિઝનેસ મિટિંગ માટે એને તરત જવું જ પડે એમ હતું, પણ પેટમાં બોલતાં કુરકુરિયાનું શું ? રીનાએ જલદી-જલદી છોકરાઓને ભાવતા બટેટાપૌંઆ અને અસીમને ભાવતો શીરો બનાવી નાખ્યાં…. બાકીની સવાર કામવાળી બાઈ પાસે કામ લેવામાં અને અભિનંદનના ફોન લેવામાં એવી તો પસાર થઈ ગઈ કે આરામથી નાહવાનો કે સરસ તૈયાર થવાનો ટાઈમ પણ ન રહ્યો. બધાં તો તૈયાર થઈ ગયાં, પણ અસીમ ક્યાં ? નાટકના શોનો ટાઈમ થઈ ગયો હતો, ત્યાં તો અસીમ ભાગતો ભાગતો આવ્યો. નાટકનો ટાઈમ તો વીતી ગયો હતો, પણ રીનાનો બર્થડે એમ કોરો થોડો જવા દેવાય ? બધાંએ ઘણા વખતથી જોવાનું બાકી હતું એવું અંગ્રેજી પિક્ચર જોવાનું નક્કી કર્યું. રીનાને અંગ્રેજી સંવાદો તો પૂરા ન સમજાય, પણ સ્ટોરી સારી હતી એટલે કંટાળો ન આવ્યો. એક કલાકારના પ્રેમ અને સંઘર્ષથી તરબોળ વાર્તા હતી.
રીનાને યાદ આવ્યું, ક્યારેક પોતે પણ એક કલાકાર કહેવાતી હતી ! નૃત્ય જ એનું સર્વસ્વ હતું. લગ્ન પછી થોડો વખત એના ડાન્સ શોઝ-કલાસીસ વગેરે ચાલુ હતા, પણ દીકરીના જન્મ પછી તો બધું તદ્દન જ બદલાઈ ગયું. સાસુ-સસરા-અસીમ આમ તો આધુનિક હતાં, રીનાની પ્રવૃત્તિઓનું તો તેઓ અભિમાન કરતાં, પણ એ પ્રવૃત્તિઓ-ઘર-દીકરીનું ધ્યાન રાખવાનું આમ ત્રિવિધ તાપે રીના શેકાય એ કોઈને ન ગમતું ! ઘરમાં ડાન્સિંગ કલાસ ચલાવે તો જગ્યા ઓછી પડે. ઉપરાંત સસરાને તકલીફ પડે. બહાર શો આપવા જાય તો દીકરીની ચિંતા રીનાને રહે અને મોડું-વહેલું થાય તો રીનાની ચિંતા ઘરનાએ કરવી પડતી. આખરે ઘરના સર્વએ તોડ કાઢ્યો કે કંઈક પ્રવૃત્તિ ચાલુ રાખવા રીનાએ ઘરમાં જ હિન્દી-મરાઠીનાં ટ્યૂશન્સ લેવાં. આમ તો ઘરનાં બધાં ખૂબ સમજુ હતાં એટલે એ પ્રવૃત્તિ ચાલુ રહી અને એ બદલ રીના પણ સર્વને આભારી રહી.
પછી તો પતિ એની પ્રગતિ, પુત્ર-પુત્રી, એમની પ્રવૃત્તિઓ, સાસુ-સસરાની સેવામાં સમય સરકતો ગયો અને આજે પચાસમે વર્ષે એનો કલાકાર જીવ ઝબક્યો. અચાનક રીનાના હૃદયમાં એક ન સમજાય એવો ચચરાટ થવા માંડ્યો. ત્યાં તો….
‘મમ્મી, સૂઈ ગઈ કે શું ?’ પુત્રે એને ઝંઝોડી
‘ઈંગ્લિશ પિકચરમાં રસ ન પડ્યોને ?’ પતિએ પૂછ્યું. એ કંઈ જવાબ આપે એ પહેલાં પતિના બે મિત્રો એમનાં કુટુંબ સાથે ભટકાઈ પડ્યાં. રીનાનો બર્થ-ડે છે જાણી બધાં ઊછળી જ પડ્યાં. પાર્ટી-પાર્ટીના પોકારથી વાતાવરણ ગજવી મૂક્યું. આટલા બધા સાથે રેસ્ટોરન્ટનું બિલ કેટલું આવશે ? આ ખ્યાલથી રીના ધ્રૂજી ઊઠી. પતિ તો ખર્ચી નાખે, પોતે ના પાડે તો કંજૂસનું બિરુદ પણ આપી દે, પણ પોતાના બર્થ-ડે નિમિત્તે એટલા પૈસા થોડા ખર્ચાય ? ના ! ના ! એના કરતાં પૂરી-શાક ફ્રૂટસલાડ ઘરે જ બનાવી નાખું અને એ બોલી ઊઠી, ‘છોકરાઓને ભણવાનું છે અને મારે બહારનું ખાવું નથી, આપણે ઘેર જ પાર્ટી મનાવીએ.’
રાતના બારના ટકોરે મહેમાનોની વિદાય પછી વાસણો અને વાસણોની વચમાં ક્યાંથી કામ શરૂ કરુંની દ્વિધામાં રીના અટવાયેલી હતી ત્યાં…. ‘મમ્મી, હાશ ! મારા પ્રોજેક્ટનું કામ પત્યું અને યસ, તને આજનું છેલ્લી વારનું હેપ્પી હેપ્પી બર્થડે…..’ કહી ગળે વળગતી દીકરીએ એના મોઢામાં એને અતિપ્રિય એવી ડાર્ક ચૉકલેટનો ટુકડો મૂકી દીધો. રીનાની આંખો આંસુથી છલકાઈ ઊઠી…..
કાશ ! આંસુની પણ કોઈ લિપિ હોત ! એ લિપિની ભાષા, તમે – હું કે પછી ખુદ રીના ઉકેલી શકીએ ખરાં ? જો એમ બને તો સમાજે રચેલ અને સ્ત્રીઓએ સ્વીકારેલ કોશેટામાંથી આપણે જરૂર બહાર આવીએ અને પતંગિયાની હળવાશ અને મુક્ત જીવનના રંગોનો અનુભવ કરી શકીએ........