જૂનું બધું યે નવું થાય, એ નવું વરસ કહેવાય 
થવા જેવું યે ઘણું થાય, એ નવું વરસ કહેવાય
દોડી દોડી હાંફી હાંફી
ભાગો જેની પાછળ 
એ જ અચાનક આવી ઊભું
રહે આપની આગળ 
ઇચ્છો એવું બધું થાય એ નવું વરસ કહેવાય ! 
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય ! 
તારા વિના બધુ જ જૂનું
એવું ગમતી વ્યક્તિને કહેજો
નવા વરસે થોડું તો થોડું 
એની સાથે રહેજો 
આખા જગમાં જેટલું સુખ હોય
બધું તમારું થાય…
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય ! 
નવા વરસે એ બધું જીવો
જે કદીયે જીવ્યા ન્હોતા 
નવા વરસે એ બધું કહો
જે કદીયે બોલ્યા ન્હોતા 
નવા વરસમાં સમય આપનો 
નવો શરૂ થાય…..
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય ! 
અજવાળાનો ડર લાગે તો 
અંધારાને મળજો 
એક નાનકડો દિપ પ્રગટાવી
સૂરજ સામે ધરજો 
નવા વરસે જે પણ થાય એ બધું
મજાનું થાય….
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !