#WomensDay
સૂરજનું જ્યાં પહેલું કિરણ ભાળું
આવી ઉભી હું રસ્તો વાળું.
પવન ઉડતો રજ સોનું લાવે
જાણે હથેળીથી ધન વરસાવે
ફેલાવા પ્રભાતને કરું માર્ગ ચોખ્ખા
કરું કચરાને રસ્તાથી નોખા.
દિપી ઉઠે સડક મારી વાળી
જોવી ગમે સહુને ધરા રૂપાળી
હાથમાં પકડી લાંબુ એક ઝાડુ
રાખું સાફ માર્ગ, ધૂળ ના ઉડાડું
કોઈ પનિહારી ભરી જતી પાણી
કોઈ ટોપલે શાક વેંચતી દેખાણી
વાહને દોડી જાતી કોઈ નાર નમણી
તો હું પણ મારાં કામે શોભું બમણી.
ઈશ્વરે મને આ કામ છો આપ્યું
કોણ કહે છે એને નીચું બતાવ્યું
આ શહેરને રાખું સાફ સુથરૂં
એ કામ ગણું હું સહુથી અદકેરું
માન ન આપો તો નહીં આવે ઓછું
સ્વચ્છતા રાખવા જોઈશ ન વાળી પાછું
રોજ સવારે કરું આ કર્મ નિત્ય
નીચે મલકે મનુષ્ય ને ઉપર આદિત્ય
ઊંચ કે નીચના વિચારો હું ટાળું
નિજ કામમાં ખુશ સમય હું ગાળું
સૂરજનું જ્યાં પહેલું કિરણ ભાળું
આવી ઉભી હું રસ્તો વાળું.