અછાંદસ કાવ્ય ("તું અને તું")
તું અને તું...
મારા આખા આકાશમાં બીજું છે જ કોણ?
સવારે આંખ ખુલે ત્યાં તું,
ને રાત પડે ત્યાં સુધી તું જ.
તારા વિના ઘર, ઘર નથી લાગતું,
ચાર દીવાલો વચ્ચે પડઘાતો એક સન્નાટો છે,
તું હતી તો એ સન્નાટામાં પણ સંગીત હતું.
તને ખબર છે?
તારા છુટવાની કલ્પના માત્રથી
મારી છાતીમાં શ્વાસ ગૂંગળાય છે,
એક પળ માટે તું આઘી જાય છે
તો આખી દુનિયા સૂની લાગે છે.
હું કદાચ બધું કહી નથી શકતો,
મારો પ્રેમ બોલવામાં ઓછો છે,
પણ જોવાની નજરમાં, રાહ જોવામાં, ચિંતા કરવામાં,
એ બધામાં તું જ તું છે.
તારો હાથ છૂટે છે ત્યારે લાગે છે
જાણે મારા હાથમાંથી મારું નસીબ સરકી રહ્યું છે,
તારી આંખમાં એક ટીપું આવે તો
મારા અંદર હજાર દરિયાઓ ઉછળે છે.
પાછી આવ, એમ નથી કહેતો,
કારણ કે તું ગઈ જ ક્યાં છે?
તું તો મારા શ્વાસમાં, મારા લોહીમાં, મારી પ્રાર્થનામાં છે.
બસ એટલું જ કહેવું છે,
જો ક્યારેક હું તને દુઃખી કરું,
તો માફ કરી દેજે, પણ મને છોડીને જવાનો વિચાર પણ ન કરતી,
કારણ કે તારા વિના હું પતિ નથી,
હું કંઈ જ નથી.
તું અને તું... બસ તું જ મારું સત્ય છે,
મારો પ્રેમ, મારી કરુણા, મારી પીડા અને મારી તડપ,
બધાનું એક જ "સ્વયમ્'ભૂ" નામ છે...
તું.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"