આનંદ કે અફસોસ એ મારા શબ્દો નથી.
હાજર કે ગેરહાજર એ મારા શબ્દો નથી.
કર્મયોગી છું તો કર્મ તો નિષ્કામ કરવાનો,
મંજૂર કે નામંજૂર એ મારા શબ્દો નથી.
ચક્રવત્ છે ગતિશીલ જગત આખું સદાયે,
સુખ કે પછી દુઃખ એ મારા શબ્દો નથી.
મળ્યું એટલું બસ મારું મેં માની લીધું કદી,
હર્ષ કે વળી શોક એ મારા શબ્દો નથી.
લડાઈ છે અત્યારે વિચારોની નૈ વ્યક્તિની,
હાર કે હોય જીત એ મારા શબ્દો નથી.
ગમ્યું તે મળ્યું કરતાં મળ્યું તે જ થયું મારું,
પ્રેમ કે કદી નફરત એ મારા શબ્દો નથી.
આંસુ જોઈ તારી આંખે તટસ્થ થૈ ગયો,
ખુશી કે એ છે ગમ એ મારા શબ્દો નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.