નિતનવા અરમાનો દેખાય, તારી દુનિયામાં.
કંચન કથીર પણ પરખાય, તારી દુનિયામાં.
તું પણ ગજબ છો હે રચયિતા પરમેશ પ્રભુ,
કપટીને હોશિયાર કહેવાય, તારી દુનિયામાં.
કાવાદાવા, હિંસાહોળી રોજેરોજ સંભળાય,
ખેલનાર પણ માણસ ગણાય, તારી દુનિયામાં.
ચપટી ધરી તને પછી એ દરિયા જેટલું માંગે,
હિસાબ સરભર ક્યાંથી થાય? તારી દુનિયામાં.
આશા એવી અવળચંડી કે એ કદી ન પૂરી થાય,
એને પૂરવા માનતાઓ કરાય, તારી દુનિયામાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.